વાયરાએ ડાળને કૈં પ્રશ્ન પૂછ્યો છે,
છાંયડો પણ પાંદડાનો સહેજ ઝૂક્યો છે.
સૌ કણાંના જાણતલનું એમ કહેવું છે,
છોકરીની આંખમાં વંટોળ ઘૂસ્યો છે.
ત્રાગડામાં ખૂબ વીંટી સ્વપ્ન કુંવારા,
પીપળો વારાંગનાએ આજ પૂજ્યો છે.
ન્યૂઝ દૂધિયા રંગથી અખબારમાં છાપો,
એક ડોસાને સવારે દાંત ફૂટ્યો છે.
ઠેક આપી જાય છે કાયમ નજર મીઠી,
એમ કૈં ઝૂલો અમસ્તો રોજ ઝૂલ્યો છે !!
હસ્તરેખાને બદલવા હોય બીજું શું ?
મેં જ મારા હાથને લ્યો, આજ ચૂમ્યો છે.
આમ નહીંતર શ્વાસ રાતાચોળ થૈ જાતાં ?
છોડ મહેંદીનો ખરેખર ક્યાંક ઊગ્યો છે !!
– હેમંત ગોહિલ ‘મર્મર’
મેં રસ્તાઓ બદલ્યા, મકાનોય બદલ્યાં ને બદલ્યાં શહેરો ને ચહેરા, રમેશ મરણની લગોલગ ગયો તે છતાંયે ન સાચાં પડ્યાં સ્વપ્ન પણ એકબે - રમેશ પારેખ
આજનો મોરલાનો ટહુકો......
Monday, April 6, 2015
ઝૂક્યો છે… – હેમંત ગોહિલ ‘મર્મર’
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment