ગઝલ,લોકગીત,શેર-સાયરી,કવિતા,ઉર્મિગીત વગેરે તમારી કૃતિ અમને મોકલી આપો તમારા નામ સાથે બ્લોગમા પોસ્ટ કરશું.વોટ્સએપ +91 9537397722/ 9586546474 પર

આજનો મોરલાનો ટહુકો......

Saturday, April 4, 2015

તમારા હાથનો એક પ્યાલો પાણી પી ગયેલો છું,
થયું છે શું કે આ લોકો કહે બહેકી ગયેલો છું !

કહી દો મોતને કે ધાકમાં લેવાનું રહેવા દે,
હું એનાથીય અઘરી જિંદગી જીવી ગયેલો છું.

કોઈ આવીને ઓગાળે મને શ્વાસોની ગરમીથી,
કશી ઉષ્મા વિના વર્ષોથી હું થીજી ગયેલો છું.

મને તાક્યા કરે છે પ્યાસી ધરતી પ્યાસી આંખોથી ,
હું વાદળ છું , પરંતુ ક્યારનો વરસી ગયેલો છું.

મને તું ઘર સુધી દોરી જા મારો હાથ ઝાલીને,
ગલીના નાકે ઊભો છું ને ઘર ભૂલી ગયેલો છું.

ખલીલ,ઉપરથી અકબંધ છું,અડીખમ છું, એ સાચું છે,
પણ અંદરથી જુઓ ! ક્યાં ક્યાંથી હું તૂટી ગયેલો છું.

મને શું કોઈ આવીને સલાહ આપે કે સમજાવે,
ખલીલ,એ સૌને કહી દો, હું બધું સમજી ગયેલો છું.
-ખલીલ

No comments:

Post a Comment