સતત ઝંખ્યા કરે છે રાતદિન મારું હૃદય તમને,
થશે તમને ય આવું, થઇ જશે જ્યારે પ્રણય તમને.
હું તમને સાથ દેવા એટલા માટે જ આવ્યો છું,
કદી લાગે ન મારી જેમ એકલતાનો ભય તમને.
મહોબ્બતમાં મને મારો જ આ સદગુણ નથી ગમતો,
કશું કહેવા નથી દેતો કદી મારો વિનય તમને.
મને એથી જ કંઇએ દુઃખ નથી મારા પરાજયનું,
ખુદાની પાસે મેં માગ્યું હતું આપે વિજય તમને.
જગતમાંથી હવે હું જાઉં છું સર્વસ્વ છોડીને,
તમે આવો તો સોંપી જાઉં હું મારું હૃદય તમને.
જીવનને જીવવાની તો કદી નવરાશ પણ નહોતી,
મળ્યો કેવી રીતે બેફામ મરવાનો સમય તમને ?
- બરકત વિરાણી ‘બેફામ’
@Gazals...
No comments:
Post a Comment