હું કદી સરયૂ નદીના તટ વિશે ભૂલો પડ્યો
ને કદી યમુના તટે પનઘટ વિશે ભૂલો પડ્યો
છો જરા પલળી જવાતું- પણ તણાવું તો ન'તું
બારીમાંથી આવતી વાછટ વિશે ભૂલો પડ્યો
બહુ ભટકવાનું, રઝળવાનું થયું ઘર આંગણે
કંઈક મારી ચાલની ફાવટ વિશે ભૂલો પડ્યો
વેપલામાં કેટલું ખાટ્યો હું એ જોવા ગયો
તો નફા-નુકસાનની વધઘટ વિશે ભૂલો પડ્યો
જ્યાં વખત આવ્યો સ્વયંને ભેટવાનો ત્યાં જ હું
આંખના કાજલ ને બાંકી લટ વિશે ભૂલો પડ્યો
દોડવાનું - ભાગવાનું - હાંફવાનું થાય છે
ઝાંઝવાની ઘાતકી તરકટ વિશે ભૂલો પડ્યો
આટલી ફરિયાદ મારી સૂર્ય ક્યાંથી સાંભળે?
મારા ઓઢેલાં સદા ઘુંઘટ વિશે ભૂલો પડ્યો
પાઘડી ગઇ તો ગઇ એ શીશ સોતીકી ગઇ
સાચવ્યાં કરતો હતો એ વટ વિશે ભૂલો પડ્યો
અહીં બધાંનાં મારી જેવા થાય છે હાલોહવાલ
સ્વર્ગ પાલવમાં લઈ ભાવટ વિશે ભૂલો પડ્યો
- પરશુરામ ચૌહાણ
No comments:
Post a Comment