નયનો નું દિવાસ્વપ્ન,દીવા સ્વપ્ન જોતા મનની ઊર્મિ છે મારી દિકરી..
હ્રદયનાં સ્પંદન, સ્પંદન અને શ્વાસની ચેતના છે મારી દિકરી..
તનના પ્રાણ, પ્રાણના અસ્તિત્વનુ ઉજાસ છે મારી દિકરી..
વિચારોનો ઉન્માદ, ઉન્માદમાં વાદ -વિવાદ નો અંત છે મારી દિકરી..
ઘરનો કોલાહલ, કોલાહલમાં નીરવ શાંતિનું મૂળ છે મારી દીકરી..
અનંત અવકાશ, અવકાશમાં શૂન્યાવકાશનું સર્જન છે મારી દીકરી..
નભનો ચાંદલિયો, ચાંદલિયાની શીતળતા સમી ચાંદની છે મારી દિકરી..
અશ્રુનાં જળબિંદુ, જળબિંદુની પ્રેમાળ ખારાશ છે મારી દિકરી..
કેડી પરનાં ડગલા, ડગલાનાં છેડાનું સરનામું છે મારી દિકરી..
ખળખળ વહેતી ગંગા, ગંગાનાં પવિત્ર નીર સરખી છે મારી દિકરી..
જીવન-વ્હાલનો દરિયો, દરિયાની અજ્ઞાત ઊંડાઈ છે મારી દિકરી..
સમસ્ત જિંદગીની મૂડી, મૂડીરૂપે પારકી થાપણ છે મારી દીકરી..
ઈશ્વરની ચરણ-રજ, ચરણરજમાં ઈશ્વરનું વરદાન છે મારી દિકરી..
ધન્યભૂમિ છે ઘરની, ઘરની મોંઘામૂલની મહેમાન છે મારી દિકરી..
આખું આયખુ, આયખાની અવનવી રીત-રસમ છે મારી દિકરી..
પાંપણરૂપી પીંછી, પીંછીમાં મેઘધનુષ્યના રંગો છે મારી દિકરી..
શ્રાવણની મનોહર સાંજ, સાંજનાં ઢળતા સૂરજની લાલાશ છે મારી દિકરી..
વૈશાખી તપતો વાયરો, વાયરાની ઉષ્ણતા જેવી છે મારી દિકરી..
હાથમાંની રેખા, રેખામાં છે છતાં મારી નથી એવી છે મારી દિકરી..
મારા અખૂટ શબ્દો, અખૂટ શબ્દોમાં અલ્પવિરામ છે મારી દીકરી....!!
--અલ્પેશ દવે "આર્ય "
No comments:
Post a Comment