ગઝલ,લોકગીત,શેર-સાયરી,કવિતા,ઉર્મિગીત વગેરે તમારી કૃતિ અમને મોકલી આપો તમારા નામ સાથે બ્લોગમા પોસ્ટ કરશું.વોટ્સએપ +91 9537397722/ 9586546474 પર

આજનો મોરલાનો ટહુકો......

Showing posts with label અલગોતર રતન 'નિરાશ'. Show all posts
Showing posts with label અલગોતર રતન 'નિરાશ'. Show all posts

Friday, February 9, 2018

મોરપીંચ્છનો જીવ ધનેશ મકવાણાને જન્મ દિવસની ખુબ ખુબ શુભકામનાઓ સાથે માણો અલગોતર રતન 'નિરાશ'ની રચના

બીજ એવું આંખમાં વાવી ગયું,
કોળવાનું એટલે ફાવી ગયું.

રોજ ફૂટે કૂંપળો દિલમાં ઘણી,
સ્નેહનું જળ એટલું ભાવી ગયું .

આંગણે સૂકવી હતી ઇચ્છા અમે,
કો'ક બકરું ભૂલથી ચાવી ગયું .

વાત કરતાં 'એ' ઘણી સુખની મને,
તોય પાણી આંખમાં આવી ગયું .

આ હ્રદય થોડું વલોવ્યું યાદમાં,
કોણ માખણ રાતમાં તાવી ગયું.

'નિરાશ'
અલગોતર રતન

Saturday, August 12, 2017

રત્નેશ અલગોતર "નિરાશ"

દુનિયા કરે છે શાંતિની વાતો ઘણી,
હુમલા રહે થાતા અહીં; ક્યાં છે અમન?

- રત્નેશ અલગોતર "નિરાશ"

Monday, June 5, 2017

રત્નેશ અલગોતર "નિરાશ

"વ્રૃક્ષ કાપીને કરો છો ઘર તમે,
ને કરો છો પંખીને બેઘર તમે."

" જંગલોમાં રોજ ફૂટે બંગલા,
બાગ, ફૂલની તો બહારો ક્યાં સુધી?"

               રત્નેશ અલગોતર "નિરાશ

Saturday, September 24, 2016

રીત સારી છે....- 'નિરાશ' અલગોતર રતન

તમારી ચાહવાની રીત સારી છે.
મળે તે આપવાની રીત સારી છે.

અમારે ના કશુંયે માંગવું પડતું,
ઇરાદો જાણવાની રીત સારી છે.

ઉદાસી વાદળો ઘેરાય તે પ્હેલાં,
ખુશીઓ લાવવાની રીત સારી છે.

તમે કાબેલ તરવૈયા હતાં જાણું,
ડૂબેલાં તારવાની રીત સારી છે.

ગયાં ચેતી દુઃખોને આવતાં પ્હેલાં,
વિચારી જીવવાની રીત સારી છે.

નથી સંબંધમાં રાખ્યું કદી બંધન,
હસીને છોડવાની રીત સારી છે.

સદા મળશે તમારો સાથ રસ્તે,
'નિરાશે' જીતવાની  રીત સારી છે.
      
- 'નિરાશ'  અલગોતર રતન

Saturday, July 23, 2016

મને થાય છે એક આજે સવાલ,- અલગોતર રતન 'નિરાશ'

મને થાય છે એક આજે સવાલ,
કરે કોણ આવી હ્રદયમાં ઘમાલ.

ઉડી એક લટ આવતી ગાલ પર ને,
કરે રોજ જોવાં નયન આ બબાલ.

મળેલાં નયન આમ તો એક વાર,
છતાં યાદ આવે થયેલી કમાલ.

મળે રોજ નફરત કરે છે વિનાશ ,
ફરી એજ બદલાય મળતાં વહાલ.

હવા રાખવાથી કશું કયાં મળે છે?
સમય સાથ ચાલી શકે તો જ ચાલ.

આ હથિયારથી એકલાં જીત થાય?
થતાં વારને ખાળવાં રાખ ઢાલ.

સફળતાં વધારે નશાને ' નિરાશ',
નહીં કોઈને પણ પચે આજ કાલ.

-'નિરાશ'   અલગોતર રતન

Monday, July 11, 2016

સમય સાથે ઘણું ખોવાઈ છે- અલગોતર રતન 'નિરાશ'

સમય સાથે ઘણું ખોવાઈ છે,
કરીને યાદ એ રોવાઈ છે.

નજાકત આંખમાં એની હતી,
હજી પાછું ફરી જોવાઈ છે.

અમીરોને છટકબારી ઘણી,
ગરીબો રોજ નીચોવાઈ છે.

અજંપો; ખાલિપો લાવે હતાશા,
ખુશી એથી ઘણું ક્હોવાઈ છે.

અરે ખુદ છે દુષિત ગંગા ઘણી,
તમારા પાપ ત્યાં ધોવાઈ છે?

       'નિરાશ'  અલગોતર રતન

Sunday, May 22, 2016

મળે ક્યાં મીઠડાંનું માંગણું સૂનું

મળે ક્યાં મીઠડાંનું માંગણું સૂનું ,
રડે છે એકલું ઓવારણું સૂનું.

મિલનની યાદ તાજી થાય જો આવો,
સડે છે એકલું સંભારણું સૂનું.

પડોશીનાં ઘરે જ્યાં શોર થાતો ને,
ઘરે જોયાં કરે તે પારણું સૂનું .

અમે તો સ્હેજ જ્યાં ખોલી હતી ખડકી,
મને જોતાં જ દોડયું આંગણું સૂનું .

બની છે શક્યતાની ભીત ખંડેરો,
ઊભું છે અટકળોનું બારણું સૂનું .

  'નિરાશ'  અલગોતર રતન

Sunday, May 8, 2016

માઁ મારે

માઁ મારે
મોટા નથી થાવું
માઁ તારી ગોદમાં
સ્વર્ગનું સુખ છે
થોડું રમવા દે.
ને માઁ તારા મજૂરી
કરી ,ઘરનું કામ કરી
બરછટ થયેલાં તે
હાથમાં કેવો જાદુ છે!
પ્રેમથી જ્યાં મારા
માથે તારો હાથ ફરે ને
મારો માથાનો દુઃખાવો ને
દિવસ ભર નો થાક ગાયબ
થઈ જાય છે.
આ જિંદગીની
દોડધામ માં
મેં તો કદી તને
પૂછ્યું નથી
તને કેમ છે?
-  'નિરાશ '  અલગોતર રતન

Saturday, April 30, 2016

સાવજ કદીએ ઘાસને ચરતો નથી,- નિરાશ

સાવજ કદીએ ઘાસને ચરતો નથી,
દિવસે કદી તારો અહીં ખરતો નથી.

છે એટલે વિશ્વાસ મારો દોસ્તને,
બોલ્યાં પછી ક્યારેય હું ફરતો નથી.

સારો કહે કે ના કહે પરવા નથી,
સાચું કહેવાથી કદી ડરતો નથી .

સારો હતો તે તો ગયો જલ્દી ઉપર,
નડનાર જીવે છે અહીં મરતો નથી .

બાળી બધુંએ ખાખ કરશે ક્રોઘ આ,
આ ક્રોધનો અગ્નિ દિલે ઠરતો નથી.

જો રાખવો સંબંધ હો તો આવજે,
હું હાથ જોડી આજ કરગરતો નથી.

સમજે બધાં મૂરખ મને છે એટલે,
સંબંધમાં હું ગણતરી કરતો નથી,
- 'નિરાશ'  અલગોતર રતન

Saturday, April 2, 2016

હોઠ તારા છે ગુલાબી, આંખ તારી છે શરાબી- અલગોતર રતન 'નિરાશ'

હોઠ તારા છે ગુલાબી,
આંખ તારી છે શરાબી.

રૂપ વીશે શું લખું હું?
એક કવિની તું કવાલી.

લાગતું આવી અપ્સરા ,
ઠાઠ તારો છે નવાબી.

દિલ ઘણું ચાહે તને તો,
કેમ બોલું તું રુઆબી.

પૂછવાનું હોય થોડું ?
આંખ તારી છે જવાબી.

રોજ પીવું આંખથી હું,
હું બની જીવું શબાબી.

પ્રમ તારો જો મળે તો,
રોકવી મારી ખરાબી.
      
-'નિરાશ' અલગોતર રતન

Monday, March 28, 2016

પ્રેમ રંગે આ હ્રદય રોળ્યું નથી

પ્રેમ રંગે આ હ્રદય રોળ્યું નથી,
આંસુ મારું કોઇએ તોલ્યું નથી.

રાત આખી તક ઉભીતી બારણે,
તે છતાં મેં બારણું ખોલ્યું નથી.

એમ લાગ્યું હું ગયો ખોટા ઘરે,
કોઇ પણ ત્યાં કેમ છો? બોલ્યું નથી.

છે હજી નફરત ભરેલી આ દિલે,
ફૂલ એથી સ્નેહનું કોળ્યું નથી.

કામ મારા હું કરું જાતે બધાં,
કામ બીજા પર કદી ઢોળ્યું નથી.

નામ રોશન ના કરું તો ચાલશે,
નામ પેઢીનું હજી બોળ્યું નથી.

શોધવાં મોતી કિનારે બેસતો,
ના મળે; પાણી કદી ડોળ્યું નથી.
      
-'નિરાશ' અલગોતર રતન

Sunday, March 20, 2016

યાદ તારી સતાવશે હંમેશ

યાદ તારી સતાવશે હંમેશ ,
પ્રેમ તારો રડાવશે હંમેશ.

ચાલવું નહિ હવા ભરી આકાશ,
કાળ થપ્પડ લગાવશે હંમેશ.

ક્યાં સુધી તું અહીં તહીં ભટકીશ?
આ જગત તો ભગાવશે હંમેશ.

ખાનગી રાખવી હતી જે વાત,
દોસ્ત મારા ચગાવશે હંમેશ.

તે કરી છે જલન બધાની રોજ,
તો ખુદા આ ચલાવશે હંમેશ?

માન આપો ભલે બધાને તોય,
આપણાં ત્યાં વગોવશે હંમેશ.

નાચવાથી મફત મળે જો વાહ,
તો તમાશો કરાવશે હંમેશ.

-અલગોતર રતન 'નિરાશ'

Thursday, March 10, 2016

એક મોકો હાથથી છૂટી ગયો - નિરાશ

એક મોકો હાથથી છૂટી ગયો,
હું હતાશામાં એટલે તૂટી ગયો.

છે સમય બળવાન નહિ માણસ અહી,
પાર્થને કાબો કદી લૂટી ગયો.

હોય દેખાડા ઉછીનાં ક્યાં સુધી?
આજ ફુગ્ગો એમનો ફૂટી ગયો.

દુઃખમાં હિંમત નથી જે હારતાં,
એમનો કપરો સમય ખૂટી ગયો.

હોય છે લેણું બધે થોડું ઘણું ,
ઝેર શાને એકલો ઘૂટી ગયો.

કંટકો પ્હેરો ભરી બેસી રહ્યાં,
તોય ભમરો ફૂલને ચૂટી ગયો.

સ્વચ્છતા અભિયાનમાં એવું થયું ,
કોળિયો મોચી તણો ઝૂટી ગયો.

-'નિરાશ '
અલગોતર રતન

Thursday, February 18, 2016

ખોબો ભરીને અશ્રુને આપી ગયો. -'નિરાશ' અલગોતર રતન.

નાનો હતોને કેટલું માપી ગયો.
ખીણે રહીને ટોચને ચૂમી ગયો.

આંખો હતી કે આંખમાં સાગર હતો,
જેવી નજર એની મળી ડૂબી ગયો.

આ જીવતરમાં પામવું અમૃત હતું ,
હું એટલે તો ઝેર થોડું પી ગયો.

માંડી હશે કઠણાઈ મારી એટલે,
માંડ્યાં કદમ જ્યાં એક બે, ખૂપી ગયો.

આખું નગર કોલાહલે ખળભળ હતું ,
આ કોણ આવી શાંતિને સ્થાપી ગયો.

જો કર્મ સારા હોય તો સારું કહે,
બાકી કહે સારું થયું પાપી ગયો.

ગમતો ચહેરો બારણે આવ્યો ખરો,
ખોબો ભરીને અશ્રુને આપી ગયો.

'નિરાશ'
અલગોતર રતન.

Friday, February 12, 2016

પ્રેમ નામે રાત આખી કૂટવાનું હોય છે

પ્રેમ નામે રાત આખી કૂટવાનું હોય છે.
પ્રેમ નામે સુખ મળે તે લૂટવાનું હોય છે.

કાચને દિલ બેય સરખાં સાચવીને રાખજો,
સ્હેજ ઠોકર લાગતાં તે તૂટવાનું હોય છે.

પ્રાણથી પણ હોય છે પ્યારું તને જે લાગતું,
આખરે તો એજ પ્હેલું છૂટવાનું હોય છે.

દે દગો જો માશુકા તો જાણશે તે એકલો,
એકલાને દર્દ તેનું ઘૂટવાનું હોય છે.

આંખ સાથે આંખ મળવાનું બહાનું હોય છે,
પ્રેમ કૂંપળને આ રીતે ફૂટવાનું હોય છે.

રોજ ઉડતાં હોય છે ભમરાં ભલેને ચોતરફ,
ફૂલ ચાહે એજ તેને ચૂંટવાનું હોય છે.

સુખ હશે કે દુઃખ હો તે કાયમી રહેતું નથી,
આ સમયની સાથ તે પણ ખૂંટવાનું હોય છે.

'નિરાશ '
અલગોતર રતન

Sunday, January 31, 2016

આંખ તારી રાખ ખુલ્લી બંઘ રાખી કાન મનવા

આંખ તારી રાખ ખુલ્લી બંઘ રાખી કાન મનવાં
દોસ્ત તારા ભેડવે નાં રાખજે એ ધ્યાન મનવાં
શ્વાસ તારો ચાલશે સગપણ બધાં છે ત્યાં સુધીનાં,
શોક થોડો રાખશે અંતે જમે મિષ્ટાન્ન મનવાં
બંગલો કે ઝૂંપડી સૌ એ બધું છે છોડવાનું,
પેટ માટે જોઇએ છે એક મુઠ્ઠી ધાન મનવાં
માફ કરતાં શીખ થોડું , ગર્વ ઓછો રાખ થોડો,
તોજ તારું માન વધશે, કર સહન અપમાન મનવાં
કોણ રાધા? કોણ મીરા?કોણ માધવ? કોણ રાઘવ?
કર્મ સારા હોય તો પૂજાય માણસ માન મનવાં
જાત જેવું નાત જેવું જીવતાં છો ત્યાં સુધીનું,
બાળવાં તો છેવટે તે એક છે સ્મશાન મનવાં.
એકલાં આવ્યા હતાં એકલાં તારે જવાનું,
આવશે યમ તેડવાં તો રાખ જોડી જાન મનવાં.

'નિરાશ '
અલગોતર રતન

Sunday, January 24, 2016

ચાલ્યાં અમે.

.
જિંદગીનો સાર લઇ ચાલ્યાં અમે,
વેદનાનો ભાર લઇ ચાલ્યાં અમે.
ભૂલવાં ચાહીશ પણ ભૂલાય નાં,
યાદની વણજાર લઇ ચાલ્યાં અમે.
ફૂલની મોસમ હતી હંમેશ ને,
આંખમાં અંગાર લઇ ચાલ્યાં અમે.
થોડું હસતાં થોડું રડતાં જીવતાં,
અવસરો નો પાર લઇ ચાલ્યાં અમે.
ના રહી ચાહત, નથી રસ્તો હવે,
ઈશ્વરી આઘાર લઇ ચાલ્યાં અમે.
શોધવાં મંજિલ મને પણ આવશે,
સ્વપ્નનો આકાર લઇ ચાલ્યાં અમે.
ઝાંઝવાંનાં શોધવાં છે મૂળને,
લ્યો રણે લંગાર લઇ ચાલ્યાં અમે.

'નિરાશ '
અલગોતર રતન

Thursday, January 21, 2016

ફૂલ ફૂલ બોલશે આવશે વસંતને,

ફૂલ ફૂલ બોલશે આવશે વસંતને,
ડાળ ડાળ ડોલશે આવશે વસંતને.

પાળ, સીમ શોધતાં આવશે આ બાગને,
ગામ ગામ દોડશે આવશે વસંતને.

ને યુવાન હેતથી પ્રેમ રંગ ચાખશે,
બંધ દ્વાર ખોલશે આવશે વસંતને.

દૂર દૂર ભાગતાં આવશે નજીક માં,
ભાન,માન છોડશે આવશે વસંતને.

આ વસંત એટલે પ્રીત ગીત ની મજા,
દિલ અજાણ જોડશે આવશે વસંતને.

'નિરાશ '
અલગોતર રતન

ફૂલ ફૂલ બોલશે આવશે વસંતને...

.
ફૂલ ફૂલ બોલશે આવશે વસંતને,
ડાળ ડાળ ડોલશે આવશે વસંતને.
પાળ, સીમ શોધતાં આવશે આ બાગને,
ગામ ગામ દોડશે આવશે વસંતને.
ને યુવાન હેતથી પ્રેમ રંગ ચાખશે,
બંધ દ્વાર ખોલશે આવશે વસંતને.
દૂર દૂર ભાગતાં આવશે નજીક માં,
ભાન,માન છોડશે આવશે વસંતને.
આ વસંત એટલે પ્રીત ગીત ની મજા,
દિલ અજાણ જોડશે આવશે વસંતને.

'નિરાશ '
અલગોતર રતન

Saturday, January 9, 2016

મને લઈજા ને એક વાર

મને લઈજા ને એક વાર
સાયબાં તારા દેશમાં
મને લઈજાને એક વાર
સાયબા તારા નેસમાં.
      સાયબાં તું તો ગામડાનો ગોવાળીયો,
       સાયબાં હું તો પરદેશી પંખીણી,
       સાયબાં તું તો ફૂંટડો જુવાનિયો,
       સાયબાં હું તો પ્રેમમાં બંધાણી.
મને લઈલેને એક વાર
સાયબાં તારા બાહું પાસમાં,
તને ઝંખું છું હું રાત દિ,
સાયબાં રટું તને શ્વાસે શ્વાસમાં.
      સાયબાં તારા વાંકડિયાં વાળ,
       સાયબાં તારી મરદાની ચાલ,
       સાયબાં તારી આંખોમાં
       નીતરતો નેહ જોયો,
       ભલેને તું કદી કંઈ ના બોલ્યો,
       માહલો અમારો કાબુમાં ક્યાં શે રોયો,
      મને લઈજાને એક વાર
      સાયબા હાથ જાલી હાથમાં
      મને લઈજાને એક વાર
       સાયબાં હેલ ઉતરાવવાં તારા વાસમાં.
સાયબાં તને જોયોને,
શાન- ભાન ભૂલી છું હું,
સાયબાં તું જ છું
મારા ચિત્તડાનો ચોર,
તને જોયા પછી
ગમે ન કોઈ હવે બીજું ,
સાયબાં તું જ છું
મારાં મનડાનો મોર.
          મને લઈજાને તારા
          સાયબાં સંગાથમાં
          મારે જીવવું છે હવે
          સાયબાં તારા સાથમાં

'નિરાશ'
અલગોતર રતન