ગઝલ,લોકગીત,શેર-સાયરી,કવિતા,ઉર્મિગીત વગેરે તમારી કૃતિ અમને મોકલી આપો તમારા નામ સાથે બ્લોગમા પોસ્ટ કરશું.વોટ્સએપ +91 9537397722/ 9586546474 પર

આજનો મોરલાનો ટહુકો......

Showing posts with label નીતિન વડગામા. Show all posts
Showing posts with label નીતિન વડગામા. Show all posts

Monday, July 24, 2017

નીતિન વડગામા

ભીનપવરણો આવ્યો અવસર, મેઘ-મુબારક !
ભીંજવતો એ બાહર-ભીતર, મેઘ-મુબારક !

છાંટો પડતાં એક સામટા મ્હોરી ઊઠ્યાં,
ડેલી, આંગણ ને આખું ઘર, મેઘ-મુબારક !

કાલ હતાં જે સાવ સૂના ને અવાવરું એ ,
જીવતાં થાશે હમણાં પાદર, મેઘ-મુબારક !

નખરાળી નદીયું ઉભરાતી પૂર આવતાં,
અંદર પણ ઊછળતાં સમદર, મેઘ-મુબારક !

ગોરંભાતું આભ ઊતરતું આખેઆખું,
છલકાતાં હૈયાનાં સરવર, મેઘ-મુબારક !

મનના મોર કરે છે નર્તન ટહુકા સાથે ,
જળના વાગે ઝીણાં ઝાંઝર, મેઘ-મુબારક !

વીજ અને વરસાદ વીંઝતાં તલવારો ને –
બુઠ્ઠાં બનતાં સઘળાં બખ્તર, મેઘ-મુબારક !

મોલ પછી લહેરાશે એમાં અઢળક અઢળક,
પલળે છે આખુંયે જીવતર, મેઘ-મુબારક !

કોઈ અગોચર ખૂણે બેસી કાન માંડીએ,
વાગે ઝીણું ઝીણું જંતર, મેઘ-મુબારક !

ડાળી થૈ ઝૂકો, હું ઊઘડું ફૂલ થઈને –
સાથે કરીએ હિસાબ સરભર, મેઘ-મુબારક !

– નીતિન વડગામા

Friday, May 6, 2016

કાનમાં કોઈ કશું કહી જાય છે- નીતિન વડગામા

કાનમાં કોઈ કશું કહી જાય છે,
એ પછી આખી ગઝલ સર્જાય છે.

મૌનનો માળો અહીં બંધાય છે,
એ પછી આખી ગઝલ સર્જાય છે.

આભ આખું એમ ગોરંભાય છે,
એ પછી આખી ગઝલ સર્જાય છે.

સાવ ભીતર કૈંક ભીનું થાય છે,
એ પછી આખી ગઝલ સર્જાય છે.

કોઈ આવી આંગણે કંઈ ગાય છે,
એ પછી આખી ગઝલ સર્જાય છે.

ડાળ પરથી મૂળમાં પ્હોંચાય છે,
એ પછી આખી ગઝલ સર્જાય છે.

આપમેળે મર્મ એ સમજાય છે,
એ પછી આખી ગઝલ સર્જાય છે.

ટોચને તળિયું બધું દેખાય છે,
એ પછી આખી ગઝલ સર્જાય છે.

આંખમાં ભગવી ધજા લ્હેરાય છે,
એ પછી આખી ગઝલ સર્જાય છે.
-નીતિન વડગામા

Monday, May 4, 2015

ઝાડ હો તો ડાળ પણ નીચી નમે પ્હાડથી

પંડને પણ ક્યાં પમાતું હોય છે?
તોય અળગું ક્યાં થવાતું હોય છે?

હાથ જ્યાં લંબાય ત્યાં બીજી ક્ષણે
રિક્તપાણિ થૈ જવાતું હોય છે!

પગ ભલેને હોય પોલાદી છતાં
એક ડગલું ક્યાં ચલાતું હોય છે?

ઝાડ હો તો ડાળ પણ નીચી નમે
પ્હાડથી
- નીતિન વડગામા

સાવ કોરા કાગળો વાંચ્યા પછી અક્ષરોનો મર્મ કૈં પકડાય છે !

આવ-જા અમથી બધાંની થાય છે,
શ્વાસ પણ એમ જ અહીં લેવાય છે.

વાત જુદી છે અધૂરા પાત્રની,
કોઈ દરિયો ક્યાં કદી છલકાય છે ?

જીવ પામર પામવા મથતો રહે,
એ પદારથ તો ય ક્યાં પકડાય છે ?

આંખમાંથી કેટલું ભૂંસવું પડે -
આંખ પંખીની પછી દેખાય છે.

સ્હેજ અજવાળું નથી થાતું અને,
કૈંક ડહાપણ દીવડા બુઝાય છે !

કોઈ પરપોટો નથી કાયમ અહીં,
આખરે એ સત્ય પણ સમજાય છે.

સાવ કોરા કાગળો વાંચ્યા પછી
અક્ષરોનો મર્મ કૈં પકડાય છે !

- નીતિન વડગામા

Sunday, May 3, 2015

કોઈ આવીને ઊભું છે આંગણામાં.....

કોઈ આવીને ઊભું છે આંગણામાં,
થાય છે મારું રૂપાંતર બારણામાં.

સ્હેજ પણ એના સગડ ક્યાં સાંપડે છે ?
શ્વાસ પણ ખર્ચાય કેવળ ધારણામાં.

એટલે અંદર અજંપો ઊછરે છે,
કૈંક ખૂટે છે હજી પણ આપણામાં.

એક ક્ષણ બાળી અને ધરબી દીધી છે,
તોય એ ઊગ્યા કરે સંભારણાંમાં.

વય વધે છે, સૂર્ય પણ માથે ચડે છે,
ને બધાં પોઢી રહ્યાં છે પારણામાં.

સાંજ સઘળી ડૂબતી જાયે છતાંયે,
મન હજી પણ વ્યસ્ત છે વિચારણામાં.

- નીતિન વડગામા