ગઝલ,લોકગીત,શેર-સાયરી,કવિતા,ઉર્મિગીત વગેરે તમારી કૃતિ અમને મોકલી આપો તમારા નામ સાથે બ્લોગમા પોસ્ટ કરશું.વોટ્સએપ +91 9537397722/ 9586546474 પર

આજનો મોરલાનો ટહુકો......

Showing posts with label ગૌરાંગ ઠાકર. Show all posts
Showing posts with label ગૌરાંગ ઠાકર. Show all posts

Tuesday, March 14, 2017

એટલું નક્કી કરો...

ગૌરાંગ ઠાકર

સૌ પ્રથમ તો ક્યાં જવું છે, એટલું નક્કી કરો,
બસ પછી નક્કી કર્યું છે, એટલું નક્કી કરો.

આમ તો બેઠા રહીયે તો ય ચાલે જિંદગી,
ક્યાં સુધી આ બેસવું છે, એટલું નક્કી કરો?

કોઇની નજદીક આવ્યા છો, પરંતુ આટલા?
તાપવું કે દાઝવું છે, એટલું નક્કી કરો.

આપ લે હૈયાની છે પણ એમની બે આંખમાં,
કાળજું કે ત્રાજવું છે, એટલું નક્કી કરો.

રોજ વધતી વય શરીરી ધર્મ છે મંજૂર પણ,
મોટા કે ઘરડા થવું છે, એટલું નક્કી કરો.

હર જનમમાં કોણ બીજું આપણી અંદર રહે?
આ વખત એ જાણવું છે એટલું નક્કી કરો.

છે તરાપો, છે હલેસા, ને ભરોસો છે, છતાં,
જળમાં પાણી કેટલું છે, એટલું નક્કી કરો.

Saturday, July 23, 2016

આપણે માણસ થવાની તક અહીં ચૂકી ગયાં- ગૌરાંગ ઠાકર

આપણે માણસ થવાની તક અહીં ચૂકી ગયાં,
જળને તરતું રાખવાને પથ્થરો ડૂબી ગયાં.

પેટનો ચૂલો ન માંગે એકપણ દીવાસળી,
ઘરનો ચૂલો ફૂંકવામાં આપણે સળગી ગયાં.

મનનાં મૂંઝારા વિષે કહેવું ઘણાંને હોય છે,
ભીંતને પણ કાન છે તો ભીંતમાં બોલી ગયાં!

ટોચ પરથી ખીણનું સૌંદર્ય દેખાતું નથી,
એટલે ઊપર જતાં અધવચ અમે અટકી ગયાં.

વૃક્ષથી વરસાદ કે વરસાદથી આ વૃક્ષ છે,
જે હશે તે પણ અહીંયા બે જણાં જીવી ગયાં.

ભરબજારે અમને છેતરવા બહુ મુશ્કેલ છે,
પણ અહીંયા વહાલની વાટે ઘણાં લૂંટી ગયાં
-ગૌરાંગ ઠાકર

Friday, June 17, 2016

રોજ મારાથી મને વાંધો પડે - ગૌરાંગ ઠાકર

રોજ મારાથી મને વાંધો પડે,
એટલે મારે મને જોવો પડે.
આ ઝરણ એમ જ નદી બનતા નથી,
દોસ્ત પાણીનેય પરસેવો પડે.
કૈંક તો સારું બધામાં હોય છે,
લીમડાનો છાંયો ના કડવો પડે.
તું દિવસ જીતી ગયાંનો વ્હેમ છોડ,
સાંજે પડછાયો ઘણો મોટો પડે.
સૂર્ય સાથે ચંદ્રને જોશો નહીં,
એક સાથે બેઉનો મોભો પડે.
તું અડે ને એમ લાગે છે મને,
જાણે સૂકા ઘાસ પર તણખો પડે.
તું હવે સરનામું સાચુ આપ, બસ,
રોજ મંદિરનો મને ધક્કો પડે.

~ગૌરાંગ ઠાકર

Monday, March 21, 2016

વિશ્વ કવિતા દિવસની શુભેચ્છાઓ...

વિશ્વ કવિતા દિવસની શુભેચ્છાઓ...

આવેગમાં વિરામ, કવિતા વગર નથી
આવો સરસ મુકામ, કવિતા વગર નથી

તારા વદનની દાદ છે બીજે તો ક્યાં લખું?
કાગળ ઉપર સલામ, કવિતા વગર નથી

ઠેબે ચડાવતી રહી દુનિયા ફકીરને
દીવાનગીનાં દામ, કવિતા વગર નથી

વાચ્યાર્થ ખોઇ ને હવે લ્યો ખુશખુશાલ છે
શબ્દોને આ ઇનામ, કવિતા વગર નથી

તમને અનુસરું નહીં તો માફ બસ કરો
હું કોઇનો ગુલામ, કવિતા વગર નથી

ગૌરાંગ ઠાકર

Monday, March 7, 2016

મારી આ દિવાલોથી મને પાર કરી દે...


મારી આ દિવાલોથી મને પાર કરી દે,
બારીથી મને એક વખત દ્વાર કરી દે.

ઝાકળ ન ઉડે સૂર્ય અહીં એમ ઉગી જા,
તું ફૂલ પર એટલો ઉપકાર કરી દે.

તું પાસ રહે એ જ ગનીમત છે અહીં દોસ્ત,
હું ક્યાં કહું છું વાતનો સ્વીકાર કરી દે ?

દીવાને અમે ટોડલેથી ભીતરે લાવ્યા,
તારથી હવે થાય તો અંધાર કરી દે.

શ્રદ્ધા હવે શંકાની તરફ જાય છે ઈશ્વર,
તારા વિશે તું વાત વિગતવાર કરી દે.

એનામાં હવે વિશ્વ સમેટાઈ રહ્યું છે,
‘ગૌરાંગ’ને પણ એક ગઝલકાર કરી દે.
-ગૌરાંગ ઠાકર

Thursday, January 28, 2016

ગૌરાંગ ઠાકર

પાંદડું તાળી પવનને આપે છે,
ઝાડ પર જાણે રાસ લાગે છે.

સ્નેહ ઓછો નથી કોઈનો પણ,
એક જણ કેમ ખાસ લાગે છે?

– ગૌરાંગ ઠાકર