ગઝલ,લોકગીત,શેર-સાયરી,કવિતા,ઉર્મિગીત વગેરે તમારી કૃતિ અમને મોકલી આપો તમારા નામ સાથે બ્લોગમા પોસ્ટ કરશું.વોટ્સએપ +91 9537397722/ 9586546474 પર

આજનો મોરલાનો ટહુકો......

Showing posts with label રક્ષા શુક્લ. Show all posts
Showing posts with label રક્ષા શુક્લ. Show all posts

Monday, April 25, 2016

તારા રસ્તે મારો રસ્તો મળી ગયો છે, આલ્લે લે!- રક્ષા શુક્લ

તારા રસ્તે મારો રસ્તો મળી ગયો છે, આલ્લે લે!
ગરમાળો ગુલમ્હોર ઉપર જો ઢળી ગયો છે, આલ્લે લે!

પીળચટટા 'ને રતુંમડા ફૂલો પૂછે છે, ' આવે છે?'
પાંખડીઓને પકડી હું નાચું 'ને બોલું, 'ફાવે છે.'

જીવ અમારો ગાલાવેલો લળી ગયો છે, આલ્લે લે!
તારા રસ્તે મારો રસ્તો મળી ગયો છે, આલ્લે લે!

ચાતક જેવી જાત અને હું પંખી નામે તરસ,
અનરાધારે આભ અમે જો એને કહેતા 'વરસ'.

અણઘડ આ અવતાર અમારો ફળી ગયો છે, આલ્લે લે!
તારા રસ્તે મારો રસ્તો મળી ગયો છે, આલ્લે લે!

પગલામાં પગલું પડતા આ કળતર થાતું ગુમ,
કંટકને અણદેખા કરતુ મન કહે કે ઝૂમ.

ચોમાસે મધુમાસ હળીને ભળી ગયો છે, આલ્લે લે!
તારા રસ્તે મારો રસ્તો મળી ગયો છે, આલ્લે લે!

-રક્ષા શુક્લ