ગઝલ,લોકગીત,શેર-સાયરી,કવિતા,ઉર્મિગીત વગેરે તમારી કૃતિ અમને મોકલી આપો તમારા નામ સાથે બ્લોગમા પોસ્ટ કરશું.વોટ્સએપ +91 9537397722/ 9586546474 પર

આજનો મોરલાનો ટહુકો......

Showing posts with label ગઝલ. Show all posts
Showing posts with label ગઝલ. Show all posts

Sunday, November 26, 2017

નૈષધ મકવાણા - (જિલ્લા શિક્ષણાધિકારીશ્રી ભરુચ).... માણો એમની રચનાઓ


ગઝલ.

સાવ અમસ્તી વાતમાં વાંકું પડ્યું,
જે  ન'તું   ધાર્યું  હવે સાચું પડયું .

ને પછી ટોળે વળી ઇચ્છા બધી,
દ્દશ્ય જે  સાચું હતું  ઝાંખું પડ્યું.

મેં પછી અટકળ બધી ભેગી કરી,
માપ અટકળનું ય ત્યાં ત્રાંસુ પડયું.

શું કરું સમજણ કશે વિસરાઇ ગઇ,
શુષ્ક આંખોથી પછી આંસુ પડયું.

મેં ય  મારી જાતને  માંજી  સતત,
તો ય જાણે પીઠ પર લાખું પડ્યું.

વાત વણસે  ને  પછી  વંકાય તો,
પ્રશ્ન છે ને  આયખું  આખું પડ્યું .

➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖
      
    ગઝલ   !!

સ્નેહનું  સગપણ  હશે તો  ચાલશે ,
દર્દનું     મારણ   હશે  તો  ચાલશે .

મેં  કશી આશા નથી  રાખી  છતાં,
બે'ક મીઠી  ક્ષણ  હશે તો ચાલશે .

તું અગર મળવા ચહે તો આવજે,
કાંઈ પણ કારણ હશે તો ચાલશે.

ફક્ત  જો  હુંકાર  તારો હોય તો ,
રાત,આંધી, રણ હશે તો ચાલશે.

સોળ આ શણગાર કયાંથી લાવવા?
આંખમાં આંજણ  હશે તો ચાલશે.

ને  કદી  તારી  વ્યથાના  બોજ પર ,
સત્યનું  દર્પણ   હશે  તો  ચાલશે .

વેદના  વરસી  પરસ્પર  હોય તો ,
જીભ પર ગળપણ હશે તો ચાલશે .

જિંદગીની  ભીડમાં  થાકયા વગર,
અંતમાં   સમરણ  હશે તો ચાલશે.

➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖   

   

કહેવાનું નથી.

આ સમયનું  વ્હેણ ટકવાનું  નથી,
કષ્ટ છે  તો  એય  રહેવાનું  નથી .

બસ હવે  ખુદનો ભરોસો રાખજે,
સત્ય છે  તો  લેશ  ડરવાનું  નથી .

હોય ગૂંચવણ તો પછી ઉકેલ કર,
અધવચ્ચેથી આમ ખસવાનું નથી.

જાતનો  શણગાર પોતે છે  સ્વયં,
અન્યના રંગોથી  સજવાનું  નથી.

જે  મળી આવે સફર  સંગાથમાં,
કોઇ ને પણ કયાંય નડવાનું નથી.

એ મળે અંજળવગર તો કયાં મળે?
યત્નથી  તો  કોઇ  મળવાનું નથી.

લો  બધી અટકળ તજી ચાલું હવે ,
ને વધુ  તો  કંઈ જ  કહેવાનું  નથી.

 ➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖ 


વધારે કંઈ નથી.

જિંદગી  ફંફોળવાની છે  વધારે કંઈ નથી .
જાતને  ઢંઢોળવાની  છે  વધારે કંઈ નથી .

આ ધરમ ને આ કરમની પોટલી ખડકી અહીં,
સત્યથી એ તોળવાની છે વધારે કંઈ નથી.

લોભલાલચ મોહ માયા ને અહંની આ રમત,
આ રમત રગદોળવાની છે વધારે કંઈ નથી.

આ સફરમાં ઝેર કે અમૃત મળે તે પી જવા,
એ પવાલી  ઘોળવાની છે વધારે કંઈ નથી .

ને ખરેખર આ કિનારા પર નહીં મોતી મળે.
ઠેઠ તળિયે બોળવાની છે  વધારે કંઈ નથી .

શ્વાસની પીંછી રહી ના જાય કોરીકટ પછી,
રંગમાં  ઝબકોળવાની છે  વધારે કંઈ નથી .

નાદનો આ લય અહો આનંદ ભીતર ઝણઝણે ,
બેઘડી  હિલ્લોળવાની છે  વધારે કંઈ નથી .

➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖
                             
ગઝલ........

જિંદગી લે  શ્વાસમાં  ધારું તને,
તું  હૃદયની  પ્યાસ  પોકારું તને .

ને યુગોથી તું સતત ધબકયા કરે,
લે હવે કણ કણમાં વિસ્તારું તને.

લઇ  હથોડી-ટાંકણુ  બેસું જરા,
જો પછી  અવકાશે  કંડારુ તને.

દર્દ, પીડા,  વેદના  છલકાય  તો,
હળવે હાથે  પીઠ પસવારું તને .

શબ્દ છે તો  શબ્દની સંગત કરું ,
ખેલ તારો  દાવ  પડકારું  તને !

મૌન દ્વારા તું બધું  સમજે પછી,
શું કહું ત્યાં સાવ  પરબારું તને?

આ વિષાદી પ્હાડ ઓઞળતો કરું
આશ ને ઉલ્લાસ ઓવારુ તને !

આ બચેલી ક્ષણ હવે શણગારવા,
પ્યાર લઇને આવ શણગારું તને !

- નૈષધ મકવાણા.

તરહી મિસ્રા.ભરત ભટ્ટ.

Thursday, October 22, 2015

બસ દુર્દશાનો એટલો આભાર હોય છે, જેને મળું છું, મુજથી સમજદાર હોય છે…

બસ દુર્દશાનો એટલો આભાર હોય છે,
જેને મળું છું, મુજથી સમજદાર હોય છે…

ઝંખે મિલનને કોણ જો એની મજા કહું,
તારો જે દૂરદૂરથી સહકાર હોય છે…

ટોળે વળે છે કોઈની દિવાનગી ઉપર,
દુનિયાના લોક કેવા મિલનસાર હોય છે…

દાવો અલગ છે પ્રેમનો દુનિયાની રીતથી,
એ ચૂપ રહે છે જેને અધિકાર હોય છે…

કાયમ રહી જાય તો પેગંબરી મળે,
દિલમાં જે એક દર્દ કોઈ વાર હોય છે…

જો એ ખબર પડે તો મજા કેટલી પડે,
ઈશ્વર જગતમાં કોનો તરફદાર હોય છે…

જાણે છે સૌ ગરીબ કે વસ્તુ બધી ‘મરીઝ’,
ઈશ્વરથી પણ વિશેષ નિરાકાર હોય છે…
- મરીઝ