ગઝલ,લોકગીત,શેર-સાયરી,કવિતા,ઉર્મિગીત વગેરે તમારી કૃતિ અમને મોકલી આપો તમારા નામ સાથે બ્લોગમા પોસ્ટ કરશું.વોટ્સએપ +91 9537397722/ 9586546474 પર

આજનો મોરલાનો ટહુકો......

Showing posts with label ડૉ. ભાવેશ જેતપરિયા. Show all posts
Showing posts with label ડૉ. ભાવેશ જેતપરિયા. Show all posts

Friday, August 25, 2017

આંગણીએ ટહૂકાઓ

🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀

આંગણીએ ટહૂકાઓ

ચિતરાતી રંગોળી આંખોને ટોડલીએ ટહૂકારા થાય,
પલાણી અશ્વોને અવસરનાં દ્વાર પર ગીતવા મંડપના ગાય.

આંગણીએ કલરવતા માળામાં શરણાઈના સૂર ભીનાં ટેરવાંઓ પીવે,
માથું હલાવીને માપ લેવા દરજીડો લંબાતાે કમખાનેે બેવડવા સીવે.
પલપલનાં શમણામાં હીંચકતા રાજ જોઈ વડવાય હરખાય.
ચિતરાતી રંગોળી આંખોમાં......

ઈચ્છાનાં આકાશે ઊડંતાં પતંગિયાં પાંખમાં કિરણોની રેખાઓ ફરતી,
પીળી ચટાક પછી લીલી ચટાક ઘરી ઓઢણિયું અંગઅંગ ઉજાગરા કરતી.
અણધારી આવજા કરંતી સાનભાન ભીતરનાં તાગ લઈ લ્હેરું છલકાય
ચિતરાતી રંગોળી આંખોમાં.....

કેસરિયા સાફાનો રંગ ઘેલી ડાંડીના થડકારે ઘેરદાર ઘૂમાવે ચોક,
એક બાજુ ખૂણામાં લપાતા બોલ, ફેર ફૂદરડીએ તણાતા લોક.
સિંચાતાં શ્રીફળમાં કૂટાતી આંખલડી વેલ સોતી છાતીમાં ઊંડી ધરબાય
ચિતરાતી રંગોળી આંખોમાં.....

ડૉ. ભાવેશ જેતપરિયા

🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀

Monday, May 29, 2017

ગામ ગયાનું થાય                 ડૉ. ભાવેશ જેતપરિયા

🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀

ગામ ગયાનું થાય
                ડૉ. ભાવેશ જેતપરિયા

બારસાંખ પર
તોરણિયાની હાર લઈને
ભીની નજરે વાવડિયા થઈ
જોતી હમરી વાટ ઉંબરમાં,
એ સપનું થઈને ગામ ગયું વિલાય....

બા નીતરતી રેલે,
દૂધમલિયાં રણઝણવું કરવા,
દો'તી ગમાણ જોતી,
ગાય બંધાતી ખીલે,
તળાવ પહેરી પાણી ઘટમાં ઘટક ઘટક
એ પગલાનો જલરવ થંભે નળમાં,
ઘંટીનાં પડને મલોખાં સમ ફેરવતી
લયમાં  પ્રભાતિયાં પરગટ હલેસે,
ભારોભાર કલરવ માળામાં
અમે ચાંદલિયાનું શમણું થૈને
ફળિયા વચ્ચે કરતા ઝીકોરા જાણે
ગયા સાપ અને લિસોટા હરફરમાં.....

નજરે જોયું તો-
જળ જંપી ગયા છે,
સરિતાનાં પેટાળો કંપી ગયા છે,
તટ પરના વૃક્ષો મૂળસોતા ઢળી ગયા છે
છટકતા જોશ, લટકતા કોશને લકવો,
બોર બની ગ્યો બહુ તળ તોડી,
ડંકી ડચકા લેતી હળવે,
લગરીક ચોમાસામાં ટચકા રહકી ગ્યા છે;
ધોરીને પાણી પીવા બરકતી જીભનો પરસેવો લાળમાં ઠસરડાતો જાય ને
કાને કોડી હસી હસીને ખરી પડે ખળામાં,
ગમાણ ઓઢી ગાંગરતા ખીલાની સાંકળની કડિયું રખડે
કડબના સડી ગયેલાં રાડાંના કણકણમાં...

સિમેન્ટની શેરીમાં ઊભો ઊભો
પૂંછડીને પટપટ કરતો શ્વાન
કહિયાગરા હાઉ હાઉ અવાજ કરતો,
ગોઠવણને અભેરાઈ પરથી ઉતારી
ઉલળી ઉલળીને ઓળખનું ખોલે પોટલું,
ગણી ગણીને કાઢે કારજ,
પડતર પ્રેતના દાંતેથી પકડાવીને કરડાવે,
કાગ મોભારે માગે વાયસાના અવાજ,
પિતૃ પડખે બેસી કરે તરસ્યા,
વાત ભૂખમાં નાખે મંડપ મધ્યે,
રાત ઉજાગરા કરી ડમરિયું ચડે.

જીવલીએ નજર ન ખોડી એટલે
ચડી વંટોળે ડાકણ જાહેર કરવા,
કોઠીમાં મોં સંતાડી ભૂવો
માતાના મઢે મંડાય;
ડાકલાં ડમડમ સજજડ સજજડ
શીખા ખોલી ખમ્મા ખમ્મા !
વેણ વચનમાં બોલી ખમ્મા ખમ્મા !
અવસરિયાની લૂલી ખમ્મા ખમ્મા !
વરણાગી થૈ ડૂલી ખમ્મા ખમ્મા !
ડાકલિયાળો બોલે:'હાલો જઈશું,હાલો જઈશું...
કલબલિયું કૂદે: કુનકુન જઈશું,કુનકુન જઈશું...'
અઢાર વરણને બાંધી હૂડૂડૂડૂ ટોળું ડોલે
ડાક દાંડી રણકે સવાર પહેરી ચાચર કેરા ચોકે...

જો, સાંભળ !
અવાજ આવે રડતર
કરે હાડોહાડ કળતર
સગપણના શ્વાસો થૈ ગ્યા પડતર,
લીમડે બૂલડોઝરિયું દાંત ભરાવી
બૂકડો કરવા જડબું ખોલે,
તરુવર મૂળસોતું ડફ્ દઈને પડે !
વડનાં થડમાં ચામાચિડિયું તરફડે,
છાયો નભને નીરખું લઈને બેઠો,
પછી શું બોલે ?
કોતર ખોતરતાં સ્મરણ ભાવઠ
નીકળે લફરે લફરા બારા ભાવઠ
રસ્તા કરી ધરી પરબારા ભાવઠ
ડામર ઝંખતા ઉબડ ખાબડ
ડમરી દેતા ધૂળ ધૂળ ઉજાણી
ચોપડે ચડી જાય આખો રસ્તો કપટના ઝપટમાં...

છૂટ્યા 'હું'નાં સગપણ
ખૂટ્યા 'તું' નાં તળ લગ
લૂંટ્યા કરમ ઘરમનાં તરપણ
કપાળ રહ રહ કૂટ્યાં,
વૈ જાતા વાવળિયા ચૂક્યા,
દોરા વણીને થાકી આંગળી
કયાંંથી લાગી ફૂંક કે-
કોરા કાગજ ભેળો 'હું' પાકી ગ્યો,
તીર ખૂંપેલાં ગણીને થાકી ગ્યો.

મૂછોના મહારાજ અંગ મરડે
થરથર થતું કાળોતરું કરડે
પૂછ્યા કરે મન જોયું:
'ચશ્મા ગળી જાય છાપું. '
એને ઉતર એમ કરીને આપું?
સામે ધૂરકે,ધમકાવે,રમકાવે,લે !
અવસર હંબોહંબો આવે જાય,
બીજું મોટું ગજબ મોટા નામે મીંડું
આકાશ અંદર પડ્યું છીંડું;
રાગતાલ હંબો હંબો
ખૂંદીગૂંદીને હંબો હંબો
પાર્ટીપ્લોટે હંબો હંબો
પહેરો ભરે
ચારેકોરે ચહેરા તરે
આ બધું આલિપામાં ખાલિપાના ફણગા,
ચૂલો ધબ્બો નારણ જોતો રૈ ગ્યો !
રાખ જડેલી કથરોટ બબડે:
'આ જો, આગ ઘૂસી ગઈ ઘરમાં....'

થઈ ગ્યા માટી પગા માણસ
આવતું જાતું ફાનસ
માંડ મળેલું ચાનસ,
લીંપેલા રેઢિયાળ ઘરમાં વીંછી રખડે,
ઘૂવડ બોલે ઘોળા દિવસે
કાળો બિલાડો અદલ મારે આંટા,
તુલસી ઊગી ગયા બાવળ બાવળ
શૂળ ભોંકાય ભીતરવી,
તમરા તમતમતા રણકી હાલે
ભગલાના સગલા જેવા,
બાજની ખાલ પહેરી
અંદર ફફડે તેતર અવઢવમાં...

આ રોકડ ખનનન દિવસો,
તમે કહો : 'કેમ જીવશો ? '
બસ, એમ જ જીવી લેવાય,
પણ આ, જુઓ:
ખખડે ખાલી શીશી જેવા,
ભાંગતી વાત ખોલતી બારી બરકે
બેચાર ઓટો પહેરીને બેસી છલકે
બહુ બહુ જૂના જણ તરવરતા,
લોકના અવસર ખોલે
આઘી પાછી આંખે મુખડું કચકચ બોલે,
ઉલાળી વળ દઈ કાને ઝીલતીને ખીલતી ઓલી ગામની ઊભી બજાર:
આ નજરાઈ ગયેલો ઝાંપો સૂનો
ને આ પૂર્વજ વડલો સૂકો,
આ છૂટક તૂટક બ્હાર બગીચો,
ને આ અર્ધો ભીનો ઝાંપો,
આ ઉભો વગડો મબલખ
આ જૂની ગંધી બંધી વાવ શિલાલેખ,
આ કૂવા તળિયા ઝાટક ડૂબ્યાં,
તૂટી ડોલની આશા સાથે,
સીંચણિયાથી સીંચે રગરગ જાલી,તાણી,ખેંચી...
લોહી માંસ ચૂંથી દોરડું લઈ કરમાં...

ઉપર ઘુમ્મસ ધુમ્મસ
નીચે ધુમ્મસ ધુમ્મસ
કોથળો ભરીને સાંધેલાં સપનાં વળગે,
કોઠાની કાંધીમાં બેસી સળગે,
પટારો સડવા બેઠો બંધ થાપણ બાંધી,
ખળા વિના ખબરું પડી નજરે,
માણસ મળે નહિ જોવા સામે
જણસ જેવા ભટકે  સામે,
પણ થાય શું ?
જો, એમાં કંઈ ન થાય !
પણ, જો, હા, થાય તો-
પકડી પાડો આ કોનો
હાથ વીંઝાય છે ખેતરમાં....!?

નજર ચકકર ચકકર બબડી કે-
માળા કરતા પિતાજી
પદ્માસન વાળીને બેઠાં તસ્વીરે,
ફૂલહાર લટકે તસ્વીરે
ટીલાં ટપકાં તસ્વીરે,
બા પણ ગયા હમણા
હાથમાં ફરતી માળા તસ્વીરે,
ચીપકી ગ્યું બધુ પૂર્વજ થઈને તસ્વીરે,
હોમ હવનને અગરબત્તીના આટાપાટા
દૂમાડા સમ ચિતરે ચહેરા,
સાથે સધળાં મોટા લઈ ગયા,
ઘણું ગયું વાંભ ભરીને ભેળું
હરરાજીનો માલ થઈને,
ઘણા સાથે હું પણ અને તું પણ જાય છે,
કંઈક આઉ આઉ થાય છે.
પડ્યા મૂંજાય છે,લ્યો !
આવ્યા મૂંજાય છે, લ્યો !
ધીમેક રહીને આવી જાય તંતરમાં..

ધણજોકમાં સાત-આઠ ડોબાં
શીંગડામાં સરપ રાખીને
પૂંછડે ફૂંફૂં કરતાં ફરે,
કાળી ભગરી તગડી ભેંસ ચરે મોજથી
ગાયો ગામ બજારું કૂદે,
રેઢિયાળી હંભા હંભા
વઢિયારી હંબા હંબા
કોયલી હંભા હંભા
પંજકલ્યાણી ગીર લઈને
વહતાભાઈ નીકળતા નથી હવે,
આંખો તાણતા અમરસંગ નથી હવે
ગોવો ગોવાળ નથી કે-
પૂરે ઝાંપલી ખોલીને
સાંકળનાં બંઘ અંકોડા લઈ પીંજરમાં.....

હોઠ લંબાવી ફરે ફૂલેકાં
ઉગતી પૂગતી પેઢીને બોલાવી
ડી. જે. તાલે ચકકર ચકકર
ડિસ્કો અંતર મંતર જંતર
ઘના ધતૂડી પતૂડીનું પૂઉઉઉ...બોલો !
ડોશી કાબરિયો લેવા ઉભડક દોડે,બોલો !
સાડલો પગમાં ભરાય તોય,
ઘેર ઘમ્મર તમ્મર ચડે:
રત્ના ઢોલીનો ત્રાંબા વરણો ઢોલ
ખીંટીએ સડેલાં છાણાં જેવો
ઘડીંગ તીક ધીન ઈનબીનતીન કરતો હસે દિવાલે ચૂનો ખેરવતો દાંડી કૂટે,
છાતી છાજિયાભેર કૂટાય, ગૂડાય,બૂડાય,લૂંટાય,ચૂંથાય,રીબાય,
ટીચાય ચવાય,ચગળાય, આ જો ખરવું છતું ગામ;
ડોશીની ઠાંઠડીના ઠેબે જોતરાય,
આંચકા આવે કાંધે પલેપલના તોય,
સાથે ચાલ્યા જવાનું સૌએ હલબલમાં...

હા, આ એ જીવલી
જે ઘેરા ઘમ્મર લેતી ફરતી
સાતમ-આઠમને સળેખમ કરતી
દિવસ પછી રાતને ભારેખમ કરતી
રાસડા ગાતી લચક લેતી,
નજર દોડાવે સાવ લગોલગ
મદ ભરેલી લ્હાય લગોલગ,
રતુંબડા હોઠેથી છલકે પ્યાલી,
યુવાન રોમાંચોમાં છાનું ધરુજે કહેણ,
આ કેડી પરથી વહી ગયું વેળામાં,
એનો કાળો સાડલો ગામ ઓઢે,
સફેદ વાળની લટથી ગામ પોઢે,
લાકડીના ટેકે રસ્તો ઉકેલે મુઠીભરી,
ખેંચેલું મોહીને ગત સમયનું ચાંદું સડેલું
પરુ ભરચક શૂળ ભરીને લવકે,
પલળવું મૂકીને કાવડ ખેંચે છાતીમાં....

રાયણ રોતી સીમ ભરીને,
આંબલી કડડડ ટ...ઈ...ઈ..ડ...ટ...ઈ..ડ
હમણા પડી
આશ વાસ થઈ ખાસ લઈ,
ખાંભી ખૂંપી ધૂળથી લથબથ
મૂળિયાં સમય સમયનાં જૂદાં:
સડી ગયા ધામ નામ હવે,
ભૂલે બિસરે કામ હવે,
નાનો મોટો પડછાયો બની
દટાયેલા પાળિયાના પડકારા,
છાના વાર પરબે હીંગળુકિયા રંગ ધરે,
પછી સીમ સામટી ગળાને બાંધી,
આંખો ફૂટે સ્મરણમાં.....

આ મંદિરમાં બેસીને પુજારી
પાન-તમાકુ- ગુટખા ચાવીને મશળે મનસૂબાઓ,
બેઠાં બેઠાં પીચકારી મારે બારી બહાર પૂ...પૂ....થૂં....થૂં
પગથિયાં પર બકરી બેંબેં કરે,
ઈલેકટ્રીક આરતી સવાર-સાંજ રણઝણતી જપે ડોનરનાં નામ,
ચોકમાં પાવૈયો નાચે પાવલી માટે
તરગાળાના ગળા બેસી ગયા એટલે,
ભૂંગળ કટાયેલ માળિયું ચાટતી પડી નોધારી એટલે
ખૂણામાં વેશ ઊતરતા જાય દિવાલ સોંસરવા એટલે
મંદિરની સામે ઓટો ઈંટને ખેરવતો
કોઈના બેસવાની રાહ જુવે છે.
સાતમ-આઠમનો જુગાર કૂદે
રાસનો હાશકારો ચતોપાટ પડ્યો સ્મરણ ઘેલો,
માતાનો માંડવો ઊડે ધજા સમ
નવરાત્રીમાં છાની જલસી છાતી કૂટે,
દિવાળીમાં લાઈટનું ડીંડવાણું ચમકે,
રડીખડી દૂકાનમાં ચારપાંચ ડબલાંમાં
ખખડે આંબિલા,ભૂતડો ભારી
પડિકાં શહેરનાં ઊડતાંક આવે ખાલી ખાલી ગલ્લાં સુધી.
બે કાળા સાડલા માળા કરે સાવ ઢળવા મથતી રાતે,
જમરાજાની રાહ જોઈને મણકા ફરે,
સ્મશાનની છાપરીનું પતરું ઉડતુક ચોકમાં પડે,
રાખ કણ કણ થઈ ઉંબરે ઉઘરાણું કરે,

કોયલનો કલરવ કેસટમાં કેદ
બગીચાના મોરલા ઊડી હાલ્યા
હવે નથી કુંજલડીની હાર અવકાશે,
કયારેક ઘરરર વિમાન ગાજે
કાનને કરડે ક્ષણભર,
ચાલ્યું જાય સરહદને જોઈ
આંખ આડા કાન કરીને પારેવું મંતર ભણે,
જટાળો જોગી નથી આવતો
ચલમ ચિપિયો લઈને,
આાવળ બાવળ બધું ગાડું ગાડું
મદારી સીટીના રોડ પર ભંગાર વેચતા
માંકડું ઝૂમાં ઓશિયાળું બેસે લપાઈને માંદલું,
ઉડતી ધૂળમાં પાણીપુરી જમે સીટીમાં
પંજાબી ચાઈનીઝ આઈટમ સીટીમાં
ગાય, ભેંસ,બકરી,ઘેટી એક સાથે પાઉચમાં દૂજે,
મોભારે મીંદડો બોલે મ્યાઉ.....
હમણા આવશે.....હમણા આવશે
પણ આવે નહિ કોઈ એવું લાગે....

ધીસલાં ગયાં કીચૂડ....કીચૂડ...
ગામ ભરીને ગાડાં ગયાં ઉથડક થડક
શેળ કઢેલા શેઢા ઊભા આડા,
વાડ સડેલી દેખાય વાડા
ખેતર પેંતર રહરહ રેઢા,
છીંડાં ચારે કોરે છીંડાં છીંડા
જીવતર જીવતર મીડાં લીંડાં લીડાં
ગણી ગણીને હાંફે સોંસરવું હૈયું;
કયાંક ટ્રેકટરનાં ટાયર મોટાં ફેરવી
ટ્રોલીમાં ઊગતા સૂરજને ભરી,
સવારે સૂરજનો ડંગોરો ડચકારા કરે,
સાંજે પાશેર ઘણની પાછળ
હવામાં ડાંગ ઉંચેરો થાક લઈ
અંદર જંતુ જીવતાં મરે અને ઉતરે પાકમાં,
ખનખનિયાં ખખડે આશા બાંધી,
ખંજવાળે ઘયડ્ ઘયડ્ ઘયડ્ અધારું,
વાછરડું ડોબાંને ધાવે ને પાડું પરબારું
અધ કચરું આવે ઉંબરમાં....

સવાર પડે પછી
બપોર પડે પછી
સાંજ પડે પછી
રાત પડે પછી
પથારિયુંમાં ચાંદો વણસે,
બંધ બારણે રેશમિયાં ઓશિકે,
હાડકાં ચામડિયુંને ખૂંચે,
જળબંબોળ દુ:ખે રુપને બદલી,
ધાબા પર રમે ચંદરવી રાત
ભેર ભૂંગળ પ્રભાતિયાં વિના એકલી ચમકી
સવાર પાકલ ફળ જેવી
લવલવતી નીકળી જાય રઘવાઈ,
આ મૂળાં મોગરી કાંદા બનીને,
આ લચકી ગયેલા ફાંદા બનીને,
તમરાં વંદા ગંદા ખૂણાંમાં બબડે એમ
ગઈઢાં-બૂઢિયાં આડા આવે;
શહેરની મોટર નીકળે કે-
ઘરરર ઘટ્ કરતાંક બોલવું કરે :
'આ નીકળ્યો સવાનો છોકરો,
ટીઈટ...ટી...ઈ....ટ ફરરર...અરરર..લે..જો..'!

આંબો ફળિયું ખાવા માગે, હાય હોય રે !
લીંમડી થડિયું લઈને ભાગે,હાય હોય રે !
ખીજડો મશાળે જળ માગે,હાય હોય રે!
લાડવો ઘડો ઘડો તળ તાગે, હાય હોય રે !
ગોળ ઘટમટ ખોલાવી આગે, હાય હોય રે !
ચાર જણની કાંઘે રાખીને....
તુલસી ક્યારો માંજર ખેરવતો,
તાંબાજળનો લોટો લઈ ખખડતો,
અધ્ધરતાલનું તાળું લટકતું પૂછે કે-
નીકળી ગ્યા બારા ?
ત્યારે અેવું લાગે કે-
સૌની સાથે સિંદૂરિયો થઈ જાઉં
ખરાવાડના ખૂણે
પણ
આ લીંમડાની ડાળે
હીંચકો ઝૂલવું માગે....... !?

ડૉ. ભાવેશ જેતપરિયા

🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀

Tuesday, March 14, 2017

વાસંતી ગીત

વાસંતી ગીત

અવઢવ કેરી આંટીમાં ગૂંથાય
આ અંગ મારું અથરિયું ભીંજાય.
ખાલિપાના વંટોળ વચ્ચે ઊડ્યું જાય
વાસંતી ગીતડું ચારેકોર વીંટાય.

ભરચક ઉગી કૂપળી નજરે દેખી,
પછી પાનખર થઈ ગઈ થરક થરક;
આંબા કેરી શાખે કોયલ કરતી કૂક
પાંદડે આશા જાગી મરક મરક.
પાકેલી લીંબોળી આમને તેમ ઝૂલે ને
હમચી મનડું ઝીણાં ઝોલાં ખાય.
અવઢવ કેરી આંટીમાં ગૂંથાય....

શ્વાસોની સડકોમાં પાક્યું નામ હવે તો
આંખોમાં ધૂંટાઈને તપતું ;
દરિયા ભીની ઉડ્ લ્હેરો રંગ ગુલાબી
વાવડિયું લૈ આવે સપનું.
સામટાં વાવડ આંગણિયું ખખડાવે ને
મ્હેકી ફૂલ જીણેરું ગાય.
અવઢવ કેરી આંટીમાં ગૂંથાય ....

ડૉ. ભાવેશ જેતપરિયા

.

Monday, January 16, 2017

ડૉ. ભાવેશ જેતપરિયા

����������������������

જગત
જેમ છે તેમ જ રહેશે
બદલાવવું હોય
તો
બીજાને
બદલવા કરતા
જાત બદલવી સારી
બદલવું
સુધરવું
સમજવું
વિસ્તરવું
વિકસવું
કણસવું
ખોતરવું
જોતરાવું
ત્યાંથી જ શરું થાય છે
અને
ત્યાં જ પુરું થાય છે.
એક કાંટો દૂર કરવા
વાડ ન સળગાવાય
પગરખાં પહેરીને નીકળાય...

ડૉ. ભાવેશ જેતપરિયા

����������������������

Monday, November 21, 2016

ડૉ. ભાવેશ જેતપરિયા........ થેલો ભરીન

થેલો ભરીને

થેલાનો ભાર લઈ કાંધ પર નિશાળે ઠલવાતું થાશે
રીક્ષામાં સ્કૂટર પર સાયકલને પગલાંનું ધમધમતું થાશે

'બાય મોમ' 'ટાટા' હો પાપાને શબ્દમાં સપનાથી ખીસ્સું છલકાશે
રસ્તા પર હોંહોંની વચ્ચે રહી ડ્રાયવરને હવાલે ફૂલડું અથડાશે
ગમતિલું રમતિલું લાઈનસર શૈશવિયું કેમ્પસમાં ધલવલતું થાશે
થેલાનો ભાર લઈ કાંધ પર...

કોરી કટ્ પાટીની મસ્તીને બીબાંમાં ઢાળીને સમથળવું ડોલે
રંગરંગ પતંગિયાં લેશનને નિયમમાં એક જાત પહેરીને બોલે
હૈયામાં ધગધગતું ભાવ ઝરણ ઠીંગરાઈને નીતરતું ગાશે.
થેલાનો ભાર લઈ કાંધ પર....
           ડૉ. ભાવેશ જેતપરિયા