ગઝલ,લોકગીત,શેર-સાયરી,કવિતા,ઉર્મિગીત વગેરે તમારી કૃતિ અમને મોકલી આપો તમારા નામ સાથે બ્લોગમા પોસ્ટ કરશું.વોટ્સએપ +91 9537397722/ 9586546474 પર

આજનો મોરલાનો ટહુકો......

Sunday, October 29, 2017

માણો આધુનિક ગુજરાતી શેરો-સાયરી.....

શબ્દના બંધાણ અમને કેટલા નડતા રહ્યા,

સાત મજલા રાતદિન સીડી વગર ચડતા રહ્યા.
           ---- ચિનુ મોદી

________________________________________________

જીવતા તો હાથ ના દીધો કદી;
ઊંચકી એ લઇ ગયા 'કૈલાસ'ને !!
– 'કૈલાસ' પંડિત

________________________________________________

આવી વિષમ દશાનું નિવારણ કરો કોઈ
ફૂલોની ગોદમાં મને શબનમનો ત્રાસ છે
                'નૂર'પોરબંદરી

________________________________________________

હતી એકસરખી જ હાલત અમારી
મળી ઘર વગરની મને એક બારી

ભણેલી-ગણેલી મળે લાગણીઓ
ન સમજી શકે કૈં અભણ આંખ મારી.

ભાવેશ ભટ્ટ

________________________________________________

સરળથી ય સરળ છે એની સરળતા
નથી શબ્દ સમજાવવા કોઇ મળતા
લખું તોય લખતાં ન કાંઇ લખાયે
શમી જાય છે ભાવ હૈયે ઉછળતાં
અજબ મારા મનની *દશા* થઇ રહી છે
જુઓ લીલા કોલેજમાં જઇ રહી છે

-આસિમ રાંદેરી

________________________________________________

ફૂટીને રડે છે મુજ હાલત પર મારા પગનાં છાલાંઓ,
કંટકથી ભર્યા પંથે આંખો મીંચીને જ્યારે ચાલું છું.

ગની દહીવાલા

________________________________________________

ફકીરી હાલ જાણી ને અમારા હાલ ના પુછો
પ્રણયના નામની અમને બહુ જુની બિમારી છે

ગફુલ રબારી"ચાતક"

________________________________________________

તકલીફ શરૂઆતમાં થોડીક પડે પણ
મારાથી કબર મારી આ ટેવાઈ જવાની

-હર્ષ બ્રહ્મભટ્ટ

________________________________________________

એક વર્તુળના પ્રવાસી આપણે
આજ છે આરંભ ને આ અંત છે

-ઉર્વીશ વસાવડા

________________________________________________

મારા જીવનનો આરંભ એવા ઢંગથી થયો,
એટલે તો અંત એનો ખરા જંગથી થયો.
- મુકેશ દવે

________________________________________________

માછલી સાથે જ દરિયો નીકળ્યો,
લ્યો ઋણાનુંબંધ પાછો નીકળ્યો.
સાંજ પડતાયે ફર્યું ના એટલે,
શોધવા પંખીને માળો નીકળ્યો.
- ધૂની માંડલિયા

________________________________________________

મત્સ્ય વીંધાયું હતું કે કર્ણ વીંધાયો હતો,
યુદ્ધનો પ્રારંભ એ ક્ષણથી મંડાયો હતો.

ગોપાલ શાસ્ત્રી

________________________________________________

સુખ  માટેની શોધ,એ દુઃખનું  કારણ છે,
સીધી  છે  વાત ;ઝેર -ઝેરનું  મારણ છે.

કાન્ત

________________________________________________

લીલવો  આવકાર ક્યાં  શોધું,
શુષ્ક  લાગે છે  દ્વાર દ્વાર મને.
બે'ક  નિ:શ્વાસ   કોઇના ઝીલું,
એમ પૃથ્વી  ઉપર પથાર મને.
- હરજીવન દાફડા

________________________________________________

ખાલીપાથી ખખડેલો છુ.
હું બંધ મકાનનો ડેલો છુ.

ખુદને શોધવાની પાછળ હું,
બહુ જગ્યાએ ભટકેલો છુ

~સુધીર દત્તા

________________________________________________

દર્પણમાં ક્યાંક ગુમ થઈ છે રમેશતા,
શોધ્યા કરું છું શ્વાનની પેઠે ફરારને.
~ર.પા.

________________________________________________

સૌની ભીતર પડ્યો હોય છે
એક ચમકતો હીરો,
ચલો શોધીએ ભીતર જઈને
ખુદની તેજ-લકીરો;
ભીતર ભર્યું જ છે અજવાળું ના ઝળહળીએ કેમ?
આ વખતે તો સ્વયં પ્રગટીએ ચલો દીવાની જેમ.

– અનિલ ચાવડા

________________________________________________

દેખ  અજવાશમાં  બકોરું  છે,
શોધ કઈ બાજુ મીણ ઓછું છે.!

-સ્નેહી પરમાર

_______________________________________________

જળ બધું  એઠું  કરી નાંખ્યું  હતું,
શોધવા જાઓ તો માછલીઓ હશે !

- ભરત વિંઝુડા

________________________________________________

તું  મને ગુપ્તવાસમાં લઈ જા !

ખોઈ નાંખી છે ક્યાંક જન્નત મેં
શોધવી  છે, તપાસમાં લઈ જા !
-ભરત વિંઝુડા

(Special thanks to Dipak Bagdad) 

ગઝલ :- મારણ હશે તો ચાલશે.... દેવેન્દ્ર ધમલ

દર્દ કેરા કણ હશે તો  ચાલશે.
તરબતર આ રણ હશે તો  ચાલશે.

લાગણીના ફૂલને ઊંચકી જશું ,
ભાર કંઇ બે મણ  હશે તો  ચાલશે.

જેટલો ગુસ્સો કરો , ગુસ્સા મહીં,
સ્હેજ પણ સગપણ  હશે તો  ચાલશે.

એમ ના દોડ્યા કરો કંઇ સ્વાર્થમાં ,
હેતનું વળગણ  હશે તો  ચાલશે.

પ્રેમને જાહેર કરવામાં ભલા ,
બોગદું કારણ  હશે તો  ચાલશે.

હું મને અંતર સુધી જોઈ શકું ,
એવડું દર્પણ  હશે તો  ચાલશે.

હું ય પણ માણસ અને માણસ છું બસ ,
એટલી સમજણ  હશે તો  ચાલશે.  

આંખમાં ચાલો 'ધમલ'જોયા કરી ,
એ પછી મારણ  હશે તો  ચાલશે.
          - દેવેન્દ્ર ધમલ

Friday, October 6, 2017

પડ્યા પછી જ પ્રેમમાં ખરેખરી ખબર પડી સતત મરી શકો ખરા,સતત જીવી શકો નહીં ~ હર્ષવી પટેલ

અઠંગ આંખ હોય પણ ફરક કળી શકો નહીં
મને મળ્યા પછી તમે તમે રહી શકો નહીં

શરત ગણો તો છે શરત,મમત કહો તો હા,મમત
તમે તમે ન હોવ તો મને મળી શકો નહીં

પ્રવેશબાધ કે નિયમ કશું નથી અહીં છતાં
કહું હું ત્યાં લગી તમે પરત ફરી શકો નહીં

જો થઇ જશે લગાવ તો સ્વભાવ થઇ જઇશ હું
મથો છતાંય એ પછી મને તજી શકો નહીં

તરણકળા પ્રવીણ હો, તરી શકો સમંદરો
ડૂબી ગયા જો આંખમાં, તમે બચી શકો નહીં

પડ્યા પછી જ પ્રેમમાં ખરેખરી ખબર પડી
સતત મરી શકો ખરા,સતત જીવી શકો નહીં

~ હર્ષવી પટેલ