ગઝલ,લોકગીત,શેર-સાયરી,કવિતા,ઉર્મિગીત વગેરે તમારી કૃતિ અમને મોકલી આપો તમારા નામ સાથે બ્લોગમા પોસ્ટ કરશું.વોટ્સએપ +91 9537397722/ 9586546474 પર

આજનો મોરલાનો ટહુકો......

Showing posts with label " શગ "- શીતલ ગઢવી. Show all posts
Showing posts with label " શગ "- શીતલ ગઢવી. Show all posts

Saturday, March 11, 2017

હાડમાં વ્હેતું રુધિર મારું નથી. - શગ

હાડમાં વ્હેતું રુધિર મારું નથી.
છે તું અંદર એટલે ખારું નથી.

આશ મુઠ્ઠીમાં લઈને બેસતી,
આભમાં હંમેશ અંધારું નથી.

એક સાંધો ત્યાં જ બીજા તેર છે,
દર્દ નામે વસ્ત્ર કુંવારું નથી.

પીગળે છે લાગણી પકડી કલમ,
એ હૃદય મારું જ સહિયારું નથી.

લે ઉતાર્યો ક્ષોભ આજે શબ્દનો
તોડ તું આ મૌન એ તાળું નથી

-શગ

Friday, November 18, 2016

ડાહપણ છૂટી ગયું છે નેમમાં..... - " શગ "- શીતલ ગઢવી

ડાહપણ છૂટી ગયું છે નેમમાં.
બાળપણ મૂંઝાઈ રમતું ગેમમાં.

છોડ ખોટી આ તું હૈયા દાઝને,
જિંદગી બાકી બચી છે રેમમાં?

વાહ! રળવા ગીરવે દૈ લાગણી
ગાંડપણ લઇ દોડતો તું ફેમમાં.

ચાંદ તારો આજ કાળો લાગતો,
શાણપણ દેખાય ગોરી મેમમાં.

રોટલીને ગોળનો આનંદ ગ્યો,
'બન-બટર'માં સ્વાદ લાગે જેમમાં.

-શીતલ ગઢવી"શગ"

Tuesday, November 15, 2016

મોભથી બે એક ઈંટો આજ તૂટી ગૈ. " શગ "- શીતલ ગઢવી


મોભથી બે એક ઈંટો આજ તૂટી ગૈ.
ભૂલ કોની મજબુતાઈ આમ છૂટી ગૈ!

મૂંઝવણમાં સૌ ઉભા ત્યાં લૈ વદન રોતાં,
રેત ધીરજની અકારણ ક્યાંક ખૂટી ગૈ.

તડપડી ભીંતો મહીં ખરયા હતા કંકર,
ધ્યાનચૂકી વાત અંદરની જ ફૂટી ગૈ.

ભાળ થૈ ઈચ્છા ઉભી ખખડાવતી કાણાં,
થૈ દિમક ભેજા મહી એ સર્વ લૂંટી ગૈ.

કોઇ ફરિયાદો હવે બાકી નથી આજે,
એક બે ધ્યાની ઇમારતને જ લૂંટી ગૈ.

-શીતલ ગઢવી"શગ"

Saturday, October 29, 2016

" શગ "- શીતલ ગઢવી... કવિતા: 'તો દિવાળી જેવું લાગે'

કવિતા: 'તો દિવાળી જેવું લાગે'
-----------------------------------

આંખોની ભીતર રોજ તમસ જેવું લાગે.
આવે મળવા અમાસે તું તો દિવાળી જેવું લાગે.

બનાવું હું ઘૂઘરા અને મીઠાઈ તણાં ભોગ,
આરોગે આવીને તું તો દિવાળી જેવું લાગે.

સજાવી છે રંગોળી મોરપીંછના રંગો લઇ,
પગલી પાડી રગદોળે તું તો દિવાળી જેવું લાગે.

ઝૂમખાં લટકાવ્યાં બારસાખે સજાવ્યાં તોરણ,
એક નજર નીરખે તું તો દિવાળી જેવું લાગે.

શણગાર સજ્યા નવોઢા થઈને રચી હાથોમાં મહેંદી,
ગળે લગાવીને નવું વર્ષ મનાવે તું તો દિવાળી જેવું લાગે.

રાહ ભટકે નહિ અંધકારમાં ગગનદીપ મુક્યો અટારીએ,
આગંતુક બની દ્વાર ખટકાવે તું તો દિવાળી જેવું લાગે.

રામે કર્યો પૂરો વનવાસ કર્યો મેળ સીતાને સાથ,
અંતરથી દ્વેષ હટાવે તું તો દિવાળી જેવું લાગે.

" શગ "- શીતલ ગઢવી