ગઝલ,લોકગીત,શેર-સાયરી,કવિતા,ઉર્મિગીત વગેરે તમારી કૃતિ અમને મોકલી આપો તમારા નામ સાથે બ્લોગમા પોસ્ટ કરશું.વોટ્સએપ +91 9537397722/ 9586546474 પર

આજનો મોરલાનો ટહુકો......

Tuesday, May 30, 2017

મુકેશ મણિયાર

રૂબરૂ મળ.....
-----------------
લાગણીઓ નો રોપ
રોપવો છે ?
એમ વ્હોટસ્એપથી
થોડો રોપાય ?
રૂબરૂ મળ......
મિત્રોનાં આલિંગનમાં
ડૂબવું છે ?
એમ એમ વ્હોટસ્એપથી
થોડું ડૂબાય ?
રૂબરૂ મળ......
છલકશે જયારે
આંખથી આંસુ,
એમ એમ વ્હોટસ્એપથી
થોડાં લુંછાય ?
રૂબરૂ મળ......
દાદા-દાદી તો પહેલાં પ્રેમ થી
બોખાં મોં સુધી નો પ્રેમ
જીવ્યા જીવંત,
તારે જો જીવવો હોય
એ પ્રેમ,
તો એ પ્રેમ વ્હોટસ્એપથી
થોડો જીવાય?
રૂબરૂ મળ.
ધૂળેટીનાં રંગો,
દિવાળીનો પ્રકાશ,
કે ઉત્તરાયણનાં
પ્રેમનાં પતંગ,
એમ વ્હોટસ્એપથી
થોડાં ચડશે ?
રૂબરૂ મળ......
વિદેશોમાં બેઠો છે,
દેશને,લોકોને,સગા-વ્હાલાને,
સંસ્કૃતિ ને,ભાષાને, તહેવારોને,
કરે છે પ્રેમ,
એમ વહોટ્સ એપથી
થોડો પ્રેમ થાય ?
રૂબરૂ મળ.....
હાથમાં મોબાઇલ હશે,
ટાવર મળશે ને
ટચ કરશો તો,
આવશે આભાસી
દુનિયા સ્કીન પર,
પણ હ્રદયની દુનિયાનાં તાર
એમ એમ વ્હોટસ્એપથી
થોડાં જોડાશે ?
રૂબરૂ મળ......
" મુકેશ "......
લાગણીઓ નો રોપ
રોપવો છે ?
એમ વ્હોટસ્એપથી
થોડો રોપાય ?
રૂબરૂ મળ......
   --- મુકેશ મણિયાર

વોટ્સેપ

હવે લખવાનું હોય કંઇ ટપાલમાં ?
થોડા વોટ્સેપને મોકલી દ્દયો વ્હાલમાં
આપ જીવી રહ્યાં છો કઈ સાલમાં ?
થોડા વોટ્સેપને મોકલી દ્દયો વ્હાલમાં

રેડીમેડ લાગણીને ડાઉનલોડ કરવાની, લખવાનું મનગમતુ નામ
પહેલાના વખતના લોકો શરમાતા તે લખતા’તા રાધા ને શ્યામ
દાદા દાદીને કૈ ઓછું પૂછવાનું ? શું મોકલતા રેશમી રૂમાલમાં ?
થોડા વોટ્સેપને મોકલી દ્દયો વ્હાલમાં

સામા છેડા પરનું પંખી આ સ્ક્રીન ઉપર અમથું કાંઇ ફરવા નહીં આવે
ટહુકો ને ટ્યુન બધુ મેચિંગમાં હોયને તો એને પણ ઊડવાનું ફાવે
એકવાર ટાવર જો પકડી શકો તો બધુ રંગી પણ શકશો ગુલાલમાં
થોડા વોટ્સેપને મોકલી દ્દયો વ્હાલમાં

પરબીડીયુ લાવવાનું, સરનામું લખવાનું, ટીકીટ પણ ચોડવાની માથે
અમથું આ ગામ આખુ મોબાઈલ વાપરે છે ? જીવો જમાનાની સાથે
કાગળ લઈ આમ તમે લખવા શું બેઠા છો ? ખોટા પડો છો બબાલમાં
થોડા વોટ્સેપને મોકલી દ્દયો વ્હાલમાં

કૃષ્ણ દવે

વિનોદ જોશી

ખડકી ઉઘાડી હું તો અમથી ઊભી’તી
મુંને ઉંબર લઈ ચાલ્યો બજારમાં...

પ્હેલ્લી દુકાને એક તંબોળી બેઠો, તંબોળી ખવડાવે પાન,
કેસરનો કાથો વળી ચાંદનીનો ચૂનો, ઉપ્પર ઉમેરે તોફાન;
આમ તેમ જોતી હું તો અમથી ઊભી’તી
લાલ છાંટો ઊડ્યો રે શણગારમાં...

બીજી દુકાને એક વાણીડો બેઠો, વાણીડો જોખે વહેવાર,
ઝટ્ટ દઈ તોળી મુંને આંખ્યુંનાં ત્રાજવે, લટકામાં તોળ્યા અણસાર;
સાનભાન ભૂલી હું તો અમથી ઊભી’તી
દઈ પડછાયે ટેકો સૂનકારમાં...

ત્રીજી દુકાને એક પીંજારો બેઠો, પીંજારો સીવે રજાઈ,
બખિયે આવીને એક બેઠું પતંગિયું, સૂયામાં વાગી શરણાઈ;
નામઠામ છોડી હું તો અમથી ઊભી ’તી
સાવ નોધારી થઈ ને ભણકારમાં...

ચોથી દુકાને એક રંગારો બેઠો, રંગારે ઘોળ્યા અજવાસ,
સૂરજ વાટીને એણે ઓર્યા રે સામટા, ઉપરથી રેડ્યું આકાશ;
રૂમઝૂમ થતી હું તો અમથી ઊભી’તી
હવે અમથી ઊભી’તી એંકારમાં...
હજી અડધે ઊભી’તી એંકારમાં...
મુંને ઉંબર લઈ ચાલ્યો...

--- વિનોદ જોશી

ગીત

તારા વગર ગોરી મને એકલું નહી ફાવે,
સતાવે સતાવે ગોરી યાદ તારી સતાવે.

   ચકોરી ને ચાંદ જેવો પ્રેમ છે  આપણો,
   ગ્રીષ્મમાં  લહેરાતો તું છે ગરમાળો,
    કોયલની કૂ કૂ નો તુ છે ટહુકારો,
             ટહુકો કરીને મનડું હરખાવે.....સતાવે સતાવે

શ્યામની છે રાધા ગોરી,ગોપી તુ મારી,
શ્યામ કેરી ચાહત વાળી મીરા તુ મારી,
હું છુ કાનુડો તારો બંસી તુ મારી,
આવે આવે  આવે યાદ તારી આવે.....સતાવે સતાવે
     
    પ્રીતડીએ ગોરી તારી પાગલ બનાયો,
    લાજ શરમ મેલી દલડું હારી આયો,
    જેવો છું તેવો ગોરી મને અપનાયો,
       ઓ ગોરી જ્યારે મુખડું મલકાવે...સતાવે સતાવે

તારા વગર ગોરી મને એકલું નહી ફાવે,
સતાવે સતાવે ગોરી યાદ તારી સતાવે.
   -સંદિપ પટેલ"કસક"

ભરત ભટ્

ધૂળની  વચ્ચે  ધકેલે  છે  મને
તું  લખોટી  જેમ ખેલે  છે  મને

આપણે બે એકબીજાની ભીતર
હું  તને  ટ્હેલુ  તું  ટ્હેલે  છે  મને

મારી નસનસમા વહેતી હે,નદી
તું ક્ષણેક્ષણ રસથી રેલે છે મને

પંડિતો  પેલી  તરફ  વાચે  તને
આ  તરફ તું  કે  ઉકેલે છે  મને

હું તને ભણવાનું ભૂલી જાઉં તો
ઠોઠ  સમજી  કેમ  ઠેલે છે  મને

            ભરત ભટ્

ડૉ. અયના ત્રિવેદી

બંધ આંખે હું કરું તારું સ્મરણ,
એમ રાખું દૂર હું મારું મરણ.

લાખ યત્નો હું કરું ને તે છતાં,
દોડતા તારી તરફ મારા ચરણ.

યાદ તારી પાંપણોને ભીંજવે,
કેમ કરતો ચેન મારું તું હરણ.

સાંધવાનું ક્યાં સુધી કે' તું મને,
સાવ ઝરઝર થાય છે આ આવરણ.

ડૂબવાનો ના હતો ડર એટલે,
આવવું'તું બસ ફકત તારે શરણ.

ડૉ. અયના ત્રિવેદી

આલાપ

ધૂળ ઢેફા છે, સડક આપો મને,
ગામડું હોવાનો હક આપો મને.

સ્હેજ પણ ઝૂકશો તો ક્યાં મંજૂર છે ?
ક્યાં કહું છું કે મચક આપો મને ?

રોજ મારી આંખ લેશન લાવશે,
સૂચના એવી કડક આપો મને !!

એકલાં હોવું ગુનો ગણશો નહીં,
પંડમાં પેસો, ખટક આપો મને !!

આમ તો મોટા તમે શાયર હશો,
સાફ શબ્દોમાં ગઝલ આપો મને.

એક ક્ષણ વરસો સમી લાગે ભલે,
એક ક્ષણ આખી અલગ આપો મને.

શ્વાસની પીંછી-હવાનો રંગ છે,
આપ બસ પ્યારું ફલક આપો મને.

- આલાપ

આપો મને - તરહી

આપો મને - તરહી

દાનમાં  આખ્ખો  મુલક  આપો મને!
કે પછી બસ એક પલક આપો મને!

ખોળું  કોને  નામ  જેનાં  છે હજાર?
નામની   સાથે  અટક  આપો   મને!

મંઝિલે  પ્હોંચી  જવા  તૈયાર  પણ
કોઈ  કેડી  કે   સડક  આપો   મને!

કોઈ  ગુનો  ના   કર્યો  તેની  સજા?
જે  સજા  હો બેધડક  આપો મને!

પથ્થરોને  પણ  પીગાળી દઈશ હું!
એક  પથરાળો  ખડક  આપો મને!

રેતના  કણકણને   ચમકાવી   દઉં!
વીજળીની  એક ચમક આપો મને!

વાંસળીઓ  વાંસવન  વાગી   રહી
ઝાંઝરીની  એક  ઝલક આપો મને!

જોઈ  જોઉં  કેમ  ધબકારો  ચૂક્યું?
એક ક્ષણ  દિલની ધડક આપો મને!

દોસ્ત ન્હાવા જઉં હું ટાઢા પાણીએ!
જે શીખ્યો હું  એ સબક આપો મને!

- હરિહર શુક્લ

Monday, May 29, 2017

ગામ ગયાનું થાય                 ડૉ. ભાવેશ જેતપરિયા

🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀

ગામ ગયાનું થાય
                ડૉ. ભાવેશ જેતપરિયા

બારસાંખ પર
તોરણિયાની હાર લઈને
ભીની નજરે વાવડિયા થઈ
જોતી હમરી વાટ ઉંબરમાં,
એ સપનું થઈને ગામ ગયું વિલાય....

બા નીતરતી રેલે,
દૂધમલિયાં રણઝણવું કરવા,
દો'તી ગમાણ જોતી,
ગાય બંધાતી ખીલે,
તળાવ પહેરી પાણી ઘટમાં ઘટક ઘટક
એ પગલાનો જલરવ થંભે નળમાં,
ઘંટીનાં પડને મલોખાં સમ ફેરવતી
લયમાં  પ્રભાતિયાં પરગટ હલેસે,
ભારોભાર કલરવ માળામાં
અમે ચાંદલિયાનું શમણું થૈને
ફળિયા વચ્ચે કરતા ઝીકોરા જાણે
ગયા સાપ અને લિસોટા હરફરમાં.....

નજરે જોયું તો-
જળ જંપી ગયા છે,
સરિતાનાં પેટાળો કંપી ગયા છે,
તટ પરના વૃક્ષો મૂળસોતા ઢળી ગયા છે
છટકતા જોશ, લટકતા કોશને લકવો,
બોર બની ગ્યો બહુ તળ તોડી,
ડંકી ડચકા લેતી હળવે,
લગરીક ચોમાસામાં ટચકા રહકી ગ્યા છે;
ધોરીને પાણી પીવા બરકતી જીભનો પરસેવો લાળમાં ઠસરડાતો જાય ને
કાને કોડી હસી હસીને ખરી પડે ખળામાં,
ગમાણ ઓઢી ગાંગરતા ખીલાની સાંકળની કડિયું રખડે
કડબના સડી ગયેલાં રાડાંના કણકણમાં...

સિમેન્ટની શેરીમાં ઊભો ઊભો
પૂંછડીને પટપટ કરતો શ્વાન
કહિયાગરા હાઉ હાઉ અવાજ કરતો,
ગોઠવણને અભેરાઈ પરથી ઉતારી
ઉલળી ઉલળીને ઓળખનું ખોલે પોટલું,
ગણી ગણીને કાઢે કારજ,
પડતર પ્રેતના દાંતેથી પકડાવીને કરડાવે,
કાગ મોભારે માગે વાયસાના અવાજ,
પિતૃ પડખે બેસી કરે તરસ્યા,
વાત ભૂખમાં નાખે મંડપ મધ્યે,
રાત ઉજાગરા કરી ડમરિયું ચડે.

જીવલીએ નજર ન ખોડી એટલે
ચડી વંટોળે ડાકણ જાહેર કરવા,
કોઠીમાં મોં સંતાડી ભૂવો
માતાના મઢે મંડાય;
ડાકલાં ડમડમ સજજડ સજજડ
શીખા ખોલી ખમ્મા ખમ્મા !
વેણ વચનમાં બોલી ખમ્મા ખમ્મા !
અવસરિયાની લૂલી ખમ્મા ખમ્મા !
વરણાગી થૈ ડૂલી ખમ્મા ખમ્મા !
ડાકલિયાળો બોલે:'હાલો જઈશું,હાલો જઈશું...
કલબલિયું કૂદે: કુનકુન જઈશું,કુનકુન જઈશું...'
અઢાર વરણને બાંધી હૂડૂડૂડૂ ટોળું ડોલે
ડાક દાંડી રણકે સવાર પહેરી ચાચર કેરા ચોકે...

જો, સાંભળ !
અવાજ આવે રડતર
કરે હાડોહાડ કળતર
સગપણના શ્વાસો થૈ ગ્યા પડતર,
લીમડે બૂલડોઝરિયું દાંત ભરાવી
બૂકડો કરવા જડબું ખોલે,
તરુવર મૂળસોતું ડફ્ દઈને પડે !
વડનાં થડમાં ચામાચિડિયું તરફડે,
છાયો નભને નીરખું લઈને બેઠો,
પછી શું બોલે ?
કોતર ખોતરતાં સ્મરણ ભાવઠ
નીકળે લફરે લફરા બારા ભાવઠ
રસ્તા કરી ધરી પરબારા ભાવઠ
ડામર ઝંખતા ઉબડ ખાબડ
ડમરી દેતા ધૂળ ધૂળ ઉજાણી
ચોપડે ચડી જાય આખો રસ્તો કપટના ઝપટમાં...

છૂટ્યા 'હું'નાં સગપણ
ખૂટ્યા 'તું' નાં તળ લગ
લૂંટ્યા કરમ ઘરમનાં તરપણ
કપાળ રહ રહ કૂટ્યાં,
વૈ જાતા વાવળિયા ચૂક્યા,
દોરા વણીને થાકી આંગળી
કયાંંથી લાગી ફૂંક કે-
કોરા કાગજ ભેળો 'હું' પાકી ગ્યો,
તીર ખૂંપેલાં ગણીને થાકી ગ્યો.

મૂછોના મહારાજ અંગ મરડે
થરથર થતું કાળોતરું કરડે
પૂછ્યા કરે મન જોયું:
'ચશ્મા ગળી જાય છાપું. '
એને ઉતર એમ કરીને આપું?
સામે ધૂરકે,ધમકાવે,રમકાવે,લે !
અવસર હંબોહંબો આવે જાય,
બીજું મોટું ગજબ મોટા નામે મીંડું
આકાશ અંદર પડ્યું છીંડું;
રાગતાલ હંબો હંબો
ખૂંદીગૂંદીને હંબો હંબો
પાર્ટીપ્લોટે હંબો હંબો
પહેરો ભરે
ચારેકોરે ચહેરા તરે
આ બધું આલિપામાં ખાલિપાના ફણગા,
ચૂલો ધબ્બો નારણ જોતો રૈ ગ્યો !
રાખ જડેલી કથરોટ બબડે:
'આ જો, આગ ઘૂસી ગઈ ઘરમાં....'

થઈ ગ્યા માટી પગા માણસ
આવતું જાતું ફાનસ
માંડ મળેલું ચાનસ,
લીંપેલા રેઢિયાળ ઘરમાં વીંછી રખડે,
ઘૂવડ બોલે ઘોળા દિવસે
કાળો બિલાડો અદલ મારે આંટા,
તુલસી ઊગી ગયા બાવળ બાવળ
શૂળ ભોંકાય ભીતરવી,
તમરા તમતમતા રણકી હાલે
ભગલાના સગલા જેવા,
બાજની ખાલ પહેરી
અંદર ફફડે તેતર અવઢવમાં...

આ રોકડ ખનનન દિવસો,
તમે કહો : 'કેમ જીવશો ? '
બસ, એમ જ જીવી લેવાય,
પણ આ, જુઓ:
ખખડે ખાલી શીશી જેવા,
ભાંગતી વાત ખોલતી બારી બરકે
બેચાર ઓટો પહેરીને બેસી છલકે
બહુ બહુ જૂના જણ તરવરતા,
લોકના અવસર ખોલે
આઘી પાછી આંખે મુખડું કચકચ બોલે,
ઉલાળી વળ દઈ કાને ઝીલતીને ખીલતી ઓલી ગામની ઊભી બજાર:
આ નજરાઈ ગયેલો ઝાંપો સૂનો
ને આ પૂર્વજ વડલો સૂકો,
આ છૂટક તૂટક બ્હાર બગીચો,
ને આ અર્ધો ભીનો ઝાંપો,
આ ઉભો વગડો મબલખ
આ જૂની ગંધી બંધી વાવ શિલાલેખ,
આ કૂવા તળિયા ઝાટક ડૂબ્યાં,
તૂટી ડોલની આશા સાથે,
સીંચણિયાથી સીંચે રગરગ જાલી,તાણી,ખેંચી...
લોહી માંસ ચૂંથી દોરડું લઈ કરમાં...

ઉપર ઘુમ્મસ ધુમ્મસ
નીચે ધુમ્મસ ધુમ્મસ
કોથળો ભરીને સાંધેલાં સપનાં વળગે,
કોઠાની કાંધીમાં બેસી સળગે,
પટારો સડવા બેઠો બંધ થાપણ બાંધી,
ખળા વિના ખબરું પડી નજરે,
માણસ મળે નહિ જોવા સામે
જણસ જેવા ભટકે  સામે,
પણ થાય શું ?
જો, એમાં કંઈ ન થાય !
પણ, જો, હા, થાય તો-
પકડી પાડો આ કોનો
હાથ વીંઝાય છે ખેતરમાં....!?

નજર ચકકર ચકકર બબડી કે-
માળા કરતા પિતાજી
પદ્માસન વાળીને બેઠાં તસ્વીરે,
ફૂલહાર લટકે તસ્વીરે
ટીલાં ટપકાં તસ્વીરે,
બા પણ ગયા હમણા
હાથમાં ફરતી માળા તસ્વીરે,
ચીપકી ગ્યું બધુ પૂર્વજ થઈને તસ્વીરે,
હોમ હવનને અગરબત્તીના આટાપાટા
દૂમાડા સમ ચિતરે ચહેરા,
સાથે સધળાં મોટા લઈ ગયા,
ઘણું ગયું વાંભ ભરીને ભેળું
હરરાજીનો માલ થઈને,
ઘણા સાથે હું પણ અને તું પણ જાય છે,
કંઈક આઉ આઉ થાય છે.
પડ્યા મૂંજાય છે,લ્યો !
આવ્યા મૂંજાય છે, લ્યો !
ધીમેક રહીને આવી જાય તંતરમાં..

ધણજોકમાં સાત-આઠ ડોબાં
શીંગડામાં સરપ રાખીને
પૂંછડે ફૂંફૂં કરતાં ફરે,
કાળી ભગરી તગડી ભેંસ ચરે મોજથી
ગાયો ગામ બજારું કૂદે,
રેઢિયાળી હંભા હંભા
વઢિયારી હંબા હંબા
કોયલી હંભા હંભા
પંજકલ્યાણી ગીર લઈને
વહતાભાઈ નીકળતા નથી હવે,
આંખો તાણતા અમરસંગ નથી હવે
ગોવો ગોવાળ નથી કે-
પૂરે ઝાંપલી ખોલીને
સાંકળનાં બંઘ અંકોડા લઈ પીંજરમાં.....

હોઠ લંબાવી ફરે ફૂલેકાં
ઉગતી પૂગતી પેઢીને બોલાવી
ડી. જે. તાલે ચકકર ચકકર
ડિસ્કો અંતર મંતર જંતર
ઘના ધતૂડી પતૂડીનું પૂઉઉઉ...બોલો !
ડોશી કાબરિયો લેવા ઉભડક દોડે,બોલો !
સાડલો પગમાં ભરાય તોય,
ઘેર ઘમ્મર તમ્મર ચડે:
રત્ના ઢોલીનો ત્રાંબા વરણો ઢોલ
ખીંટીએ સડેલાં છાણાં જેવો
ઘડીંગ તીક ધીન ઈનબીનતીન કરતો હસે દિવાલે ચૂનો ખેરવતો દાંડી કૂટે,
છાતી છાજિયાભેર કૂટાય, ગૂડાય,બૂડાય,લૂંટાય,ચૂંથાય,રીબાય,
ટીચાય ચવાય,ચગળાય, આ જો ખરવું છતું ગામ;
ડોશીની ઠાંઠડીના ઠેબે જોતરાય,
આંચકા આવે કાંધે પલેપલના તોય,
સાથે ચાલ્યા જવાનું સૌએ હલબલમાં...

હા, આ એ જીવલી
જે ઘેરા ઘમ્મર લેતી ફરતી
સાતમ-આઠમને સળેખમ કરતી
દિવસ પછી રાતને ભારેખમ કરતી
રાસડા ગાતી લચક લેતી,
નજર દોડાવે સાવ લગોલગ
મદ ભરેલી લ્હાય લગોલગ,
રતુંબડા હોઠેથી છલકે પ્યાલી,
યુવાન રોમાંચોમાં છાનું ધરુજે કહેણ,
આ કેડી પરથી વહી ગયું વેળામાં,
એનો કાળો સાડલો ગામ ઓઢે,
સફેદ વાળની લટથી ગામ પોઢે,
લાકડીના ટેકે રસ્તો ઉકેલે મુઠીભરી,
ખેંચેલું મોહીને ગત સમયનું ચાંદું સડેલું
પરુ ભરચક શૂળ ભરીને લવકે,
પલળવું મૂકીને કાવડ ખેંચે છાતીમાં....

રાયણ રોતી સીમ ભરીને,
આંબલી કડડડ ટ...ઈ...ઈ..ડ...ટ...ઈ..ડ
હમણા પડી
આશ વાસ થઈ ખાસ લઈ,
ખાંભી ખૂંપી ધૂળથી લથબથ
મૂળિયાં સમય સમયનાં જૂદાં:
સડી ગયા ધામ નામ હવે,
ભૂલે બિસરે કામ હવે,
નાનો મોટો પડછાયો બની
દટાયેલા પાળિયાના પડકારા,
છાના વાર પરબે હીંગળુકિયા રંગ ધરે,
પછી સીમ સામટી ગળાને બાંધી,
આંખો ફૂટે સ્મરણમાં.....

આ મંદિરમાં બેસીને પુજારી
પાન-તમાકુ- ગુટખા ચાવીને મશળે મનસૂબાઓ,
બેઠાં બેઠાં પીચકારી મારે બારી બહાર પૂ...પૂ....થૂં....થૂં
પગથિયાં પર બકરી બેંબેં કરે,
ઈલેકટ્રીક આરતી સવાર-સાંજ રણઝણતી જપે ડોનરનાં નામ,
ચોકમાં પાવૈયો નાચે પાવલી માટે
તરગાળાના ગળા બેસી ગયા એટલે,
ભૂંગળ કટાયેલ માળિયું ચાટતી પડી નોધારી એટલે
ખૂણામાં વેશ ઊતરતા જાય દિવાલ સોંસરવા એટલે
મંદિરની સામે ઓટો ઈંટને ખેરવતો
કોઈના બેસવાની રાહ જુવે છે.
સાતમ-આઠમનો જુગાર કૂદે
રાસનો હાશકારો ચતોપાટ પડ્યો સ્મરણ ઘેલો,
માતાનો માંડવો ઊડે ધજા સમ
નવરાત્રીમાં છાની જલસી છાતી કૂટે,
દિવાળીમાં લાઈટનું ડીંડવાણું ચમકે,
રડીખડી દૂકાનમાં ચારપાંચ ડબલાંમાં
ખખડે આંબિલા,ભૂતડો ભારી
પડિકાં શહેરનાં ઊડતાંક આવે ખાલી ખાલી ગલ્લાં સુધી.
બે કાળા સાડલા માળા કરે સાવ ઢળવા મથતી રાતે,
જમરાજાની રાહ જોઈને મણકા ફરે,
સ્મશાનની છાપરીનું પતરું ઉડતુક ચોકમાં પડે,
રાખ કણ કણ થઈ ઉંબરે ઉઘરાણું કરે,

કોયલનો કલરવ કેસટમાં કેદ
બગીચાના મોરલા ઊડી હાલ્યા
હવે નથી કુંજલડીની હાર અવકાશે,
કયારેક ઘરરર વિમાન ગાજે
કાનને કરડે ક્ષણભર,
ચાલ્યું જાય સરહદને જોઈ
આંખ આડા કાન કરીને પારેવું મંતર ભણે,
જટાળો જોગી નથી આવતો
ચલમ ચિપિયો લઈને,
આાવળ બાવળ બધું ગાડું ગાડું
મદારી સીટીના રોડ પર ભંગાર વેચતા
માંકડું ઝૂમાં ઓશિયાળું બેસે લપાઈને માંદલું,
ઉડતી ધૂળમાં પાણીપુરી જમે સીટીમાં
પંજાબી ચાઈનીઝ આઈટમ સીટીમાં
ગાય, ભેંસ,બકરી,ઘેટી એક સાથે પાઉચમાં દૂજે,
મોભારે મીંદડો બોલે મ્યાઉ.....
હમણા આવશે.....હમણા આવશે
પણ આવે નહિ કોઈ એવું લાગે....

ધીસલાં ગયાં કીચૂડ....કીચૂડ...
ગામ ભરીને ગાડાં ગયાં ઉથડક થડક
શેળ કઢેલા શેઢા ઊભા આડા,
વાડ સડેલી દેખાય વાડા
ખેતર પેંતર રહરહ રેઢા,
છીંડાં ચારે કોરે છીંડાં છીંડા
જીવતર જીવતર મીડાં લીંડાં લીડાં
ગણી ગણીને હાંફે સોંસરવું હૈયું;
કયાંક ટ્રેકટરનાં ટાયર મોટાં ફેરવી
ટ્રોલીમાં ઊગતા સૂરજને ભરી,
સવારે સૂરજનો ડંગોરો ડચકારા કરે,
સાંજે પાશેર ઘણની પાછળ
હવામાં ડાંગ ઉંચેરો થાક લઈ
અંદર જંતુ જીવતાં મરે અને ઉતરે પાકમાં,
ખનખનિયાં ખખડે આશા બાંધી,
ખંજવાળે ઘયડ્ ઘયડ્ ઘયડ્ અધારું,
વાછરડું ડોબાંને ધાવે ને પાડું પરબારું
અધ કચરું આવે ઉંબરમાં....

સવાર પડે પછી
બપોર પડે પછી
સાંજ પડે પછી
રાત પડે પછી
પથારિયુંમાં ચાંદો વણસે,
બંધ બારણે રેશમિયાં ઓશિકે,
હાડકાં ચામડિયુંને ખૂંચે,
જળબંબોળ દુ:ખે રુપને બદલી,
ધાબા પર રમે ચંદરવી રાત
ભેર ભૂંગળ પ્રભાતિયાં વિના એકલી ચમકી
સવાર પાકલ ફળ જેવી
લવલવતી નીકળી જાય રઘવાઈ,
આ મૂળાં મોગરી કાંદા બનીને,
આ લચકી ગયેલા ફાંદા બનીને,
તમરાં વંદા ગંદા ખૂણાંમાં બબડે એમ
ગઈઢાં-બૂઢિયાં આડા આવે;
શહેરની મોટર નીકળે કે-
ઘરરર ઘટ્ કરતાંક બોલવું કરે :
'આ નીકળ્યો સવાનો છોકરો,
ટીઈટ...ટી...ઈ....ટ ફરરર...અરરર..લે..જો..'!

આંબો ફળિયું ખાવા માગે, હાય હોય રે !
લીંમડી થડિયું લઈને ભાગે,હાય હોય રે !
ખીજડો મશાળે જળ માગે,હાય હોય રે!
લાડવો ઘડો ઘડો તળ તાગે, હાય હોય રે !
ગોળ ઘટમટ ખોલાવી આગે, હાય હોય રે !
ચાર જણની કાંઘે રાખીને....
તુલસી ક્યારો માંજર ખેરવતો,
તાંબાજળનો લોટો લઈ ખખડતો,
અધ્ધરતાલનું તાળું લટકતું પૂછે કે-
નીકળી ગ્યા બારા ?
ત્યારે અેવું લાગે કે-
સૌની સાથે સિંદૂરિયો થઈ જાઉં
ખરાવાડના ખૂણે
પણ
આ લીંમડાની ડાળે
હીંચકો ઝૂલવું માગે....... !?

ડૉ. ભાવેશ જેતપરિયા

🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀

Wednesday, May 10, 2017

Happy birthday - અનિલ ચાવડાSir......

લીલોતરી નામે ય એક્કે પાંદડું સ્હેજે ખખડવાનું નથી,
વરસાદ થઈને તું ભલે વરસે અહીંયા કૈં પલળવાનું નથી.

તું મોજું દરિયાનું જ સમજીને ફરી વર્ષો સુધી બેસી રહ્યો,
એ ફક્ત રંગોથી મઢેલું ચિત્ર છે સ્હેજે ઉછળવાનું નથી.

હું ભીંત પર માથું પછાડું ? રોજ છાતી કૂટું ? રોવું ? શું કરું ?
હું એક એવું સત્ય છું જે કોઈ દી સાચ્ચું જ પડવાનું નથી.

એ માણસો સઘળા ય રસ્તામાં મને ઢીલા મુખે સામા મળ્યા,
કે જેમણે એવું કહ્યું’તું, :બસ હવે પાછા જ વળવાનું નથી.”

છે દેહ રૂના પૂમડાંનો ત્યાં સુધી સઘળું બરાબર છે / હતું,
પણ આગમાં કાયમ રહેવાનું અને સ્હેજે સળગવાનું નથી.
- અનિલ ચાવડા

Wednesday, May 3, 2017

ખેલ અઘરો આદરી ચાલ્યા ગયા ..... - પારુલ ખખ્ખર

ખેલ અઘરો આદરી ચાલ્યા ગયા ,
અધવચાળેથી ડરી ચાલ્યા ગયા .

એક ખૂણો જ્યાં હતો અંગત જરા ,
એ ગલીને ચાતરી ચાલ્યા ગયા .

જેમણે આવી ઉકેલ્યા દાખલા ,
એ જ તો અઘરું કરી ચાલ્યા ગયા .

પ્રેમની પૂંજી જરા ઓછી પડી ,
બે'ક સિક્કા વાપરી ચાલ્યા ગયા .

કાયદો ને પાંજરુ તોડ્યા પછી ,
પાંખ ચરણોમાં ધરી ચાલ્યા ગયા .

માછલીને પામવાના મોહમાં ,
જાળ જેવું પાથરી ચાલ્યા ગયા .

જળકમળવત્ જે રહી શકતા હતા ,
એ કમળને છેતરી ચાલ્યા ગયા .

- પારુલ ખખ્ખર

फलक तक नया आशीयां हो गया.... - मासूम मोडासवी

फलक तक नया आशीयां हो गया,
अब ये जेरे  कदम आस्मां हो  गया।

फतहयाब लौटे हर  इक परवाज से।
मश्शकत से अपना ये मकां हो गया।

दुहाइ  न  देना अब कोइ इन्साफ की
जो जीता वो अपना पासबां हो गया।

बे  उसुली का जोचल पडा सिलसिला,
हर कदमपर इक बडा इम्तेहां हो गया।

हम  लडाते  गये अपने अकवाम को,
अपना हाकिम बड़ा राजदां हो गया ।

आज के  दौरका आदमी ये क्या हुवा,
बे अदब  हो गया व  बदजबां हो गया।

नस्ले आदम के ये मासूम नये रुप में
कुछ निहां हो गया कुछ अयां हो गया।

- मासूम मोडासवी

અછાંદશ : મુકેશ મણિયાર.


---------
આપણાં સલોણાં સંબંધને
કોઇ નામ આપો તમે,
આંખો થી મૌન જવાબ નહીં,
હોઠ થી કોઈ હકાર આપો તમે,
       આપણાં સલોણાં સંબંધને...
કદીક દિવસમાં એક-બે વખત,
તો કદીક દસ દિવસે એક વખત,
આપો છો દિદાર તમે,
દરરોજ દિવસમાં દસ વખત
દિદાર આપો તમે,
          આપણાં સલોણાં સંબંધને...
હોય છે વેલને લત વળગણની,
સંબંધો ને વળગણ રૂપી
આધાર આપો તમે,
          આપણાં સલોણાં સંબંધને...
સાત અક્ષરનું નામ છે એનું,
મેઘધનુષનાં સાત રંગો લઇ,
એ નામને રંગી આપો તમે,
આપણાં સલોણાં સંબંધને
કોઇ નામ આપો તમે,
આંખો થી મૌન જવાબ નહીં,
હોઠ થી કોઈ નામ આપો તમે,
       આપણાં સલોણાં સંબંધને...
--- મુકેશ મણિયાર.

Tuesday, May 2, 2017

હર્ષિદા  દીપક

ગમતીલા ગીતોમાં હરિ  નામે હેલી ભરું
પીતળિયા બેડાં લઈ ચારે કોરે ઘેલી ફરું

આંગણિયે બેસીને મીઠો તડકો મનમાં ઝીલું ,
ઓલા ગગનના ગોખથી રે ગરમાવા ની પંડે ખીલુ ,
હરિ હળવે થી .....
હરિ હળવે થી આવતા રે મલકમાં  વાતો કરું ....
         ગમતીલા ગીતોમાં હરિ ......

આંબાની કોયલ  રે  કુહૂ કુહૂ કરતી  ડોલે ,
ઉનાળે  ટાઢકની  હૈયે  મારે  હેલી  ખોલે ,
હરિ હળવે થી ......
હરિ હળવે થી આવીયારે અમરત-કુંભ
ચરણે ધરું
          ગમતીલા ગીતોમાં હરિ ......

વીજલડી  ચમકીને  હૈયું જાણે ઘેલું કર્યુ ,
રૂમઝૂમતી નાચતી ગઈ ટીપે ટીપે કામણ  ભર્યુ ,
હરિ હળવે થી ....
હરિ હળવે થી પામીરે ગઈ અજવાળાં  હું આંખે ભરું
             ગમતીલા ગીતોમાં હરિ .....

- હર્ષિદા  દીપક

(Painting by - Great artist Samat Bela)

नइ  सोच  लेकर जमाने  चले - मासूम मोडासवी

नइ  सोच  लेकर जमाने  चले
फने  राजे  हस्ती  बताने  चले

बढी इख्तलाफात की ये रंजीशें
तअस्सुब  को आगे बढ़ाने चले

दिलों मेअदावत का जज्बा लीये
गलेसे  हम  सभीको लगाने चले

रही  जीनकी फीतरत में बरहमी
वो  बातें  अमन की  चलाने चले

हकिकत को जुठलाने  की चालमें
आलम को  हम  क्या दीखाने चले

नया दौर  आया है कैसा ये मासूम
हम  लुटी अस्मतो को बचाने चले।

- मासूम मोडासवी