ગઝલ,લોકગીત,શેર-સાયરી,કવિતા,ઉર્મિગીત વગેરે તમારી કૃતિ અમને મોકલી આપો તમારા નામ સાથે બ્લોગમા પોસ્ટ કરશું.વોટ્સએપ +91 9537397722/ 9586546474 પર

આજનો મોરલાનો ટહુકો......

Showing posts with label હરજીવન દાફડા. Show all posts
Showing posts with label હરજીવન દાફડા. Show all posts

Sunday, October 29, 2017

માણો આધુનિક ગુજરાતી શેરો-સાયરી.....

શબ્દના બંધાણ અમને કેટલા નડતા રહ્યા,

સાત મજલા રાતદિન સીડી વગર ચડતા રહ્યા.
           ---- ચિનુ મોદી

________________________________________________

જીવતા તો હાથ ના દીધો કદી;
ઊંચકી એ લઇ ગયા 'કૈલાસ'ને !!
– 'કૈલાસ' પંડિત

________________________________________________

આવી વિષમ દશાનું નિવારણ કરો કોઈ
ફૂલોની ગોદમાં મને શબનમનો ત્રાસ છે
                'નૂર'પોરબંદરી

________________________________________________

હતી એકસરખી જ હાલત અમારી
મળી ઘર વગરની મને એક બારી

ભણેલી-ગણેલી મળે લાગણીઓ
ન સમજી શકે કૈં અભણ આંખ મારી.

ભાવેશ ભટ્ટ

________________________________________________

સરળથી ય સરળ છે એની સરળતા
નથી શબ્દ સમજાવવા કોઇ મળતા
લખું તોય લખતાં ન કાંઇ લખાયે
શમી જાય છે ભાવ હૈયે ઉછળતાં
અજબ મારા મનની *દશા* થઇ રહી છે
જુઓ લીલા કોલેજમાં જઇ રહી છે

-આસિમ રાંદેરી

________________________________________________

ફૂટીને રડે છે મુજ હાલત પર મારા પગનાં છાલાંઓ,
કંટકથી ભર્યા પંથે આંખો મીંચીને જ્યારે ચાલું છું.

ગની દહીવાલા

________________________________________________

ફકીરી હાલ જાણી ને અમારા હાલ ના પુછો
પ્રણયના નામની અમને બહુ જુની બિમારી છે

ગફુલ રબારી"ચાતક"

________________________________________________

તકલીફ શરૂઆતમાં થોડીક પડે પણ
મારાથી કબર મારી આ ટેવાઈ જવાની

-હર્ષ બ્રહ્મભટ્ટ

________________________________________________

એક વર્તુળના પ્રવાસી આપણે
આજ છે આરંભ ને આ અંત છે

-ઉર્વીશ વસાવડા

________________________________________________

મારા જીવનનો આરંભ એવા ઢંગથી થયો,
એટલે તો અંત એનો ખરા જંગથી થયો.
- મુકેશ દવે

________________________________________________

માછલી સાથે જ દરિયો નીકળ્યો,
લ્યો ઋણાનુંબંધ પાછો નીકળ્યો.
સાંજ પડતાયે ફર્યું ના એટલે,
શોધવા પંખીને માળો નીકળ્યો.
- ધૂની માંડલિયા

________________________________________________

મત્સ્ય વીંધાયું હતું કે કર્ણ વીંધાયો હતો,
યુદ્ધનો પ્રારંભ એ ક્ષણથી મંડાયો હતો.

ગોપાલ શાસ્ત્રી

________________________________________________

સુખ  માટેની શોધ,એ દુઃખનું  કારણ છે,
સીધી  છે  વાત ;ઝેર -ઝેરનું  મારણ છે.

કાન્ત

________________________________________________

લીલવો  આવકાર ક્યાં  શોધું,
શુષ્ક  લાગે છે  દ્વાર દ્વાર મને.
બે'ક  નિ:શ્વાસ   કોઇના ઝીલું,
એમ પૃથ્વી  ઉપર પથાર મને.
- હરજીવન દાફડા

________________________________________________

ખાલીપાથી ખખડેલો છુ.
હું બંધ મકાનનો ડેલો છુ.

ખુદને શોધવાની પાછળ હું,
બહુ જગ્યાએ ભટકેલો છુ

~સુધીર દત્તા

________________________________________________

દર્પણમાં ક્યાંક ગુમ થઈ છે રમેશતા,
શોધ્યા કરું છું શ્વાનની પેઠે ફરારને.
~ર.પા.

________________________________________________

સૌની ભીતર પડ્યો હોય છે
એક ચમકતો હીરો,
ચલો શોધીએ ભીતર જઈને
ખુદની તેજ-લકીરો;
ભીતર ભર્યું જ છે અજવાળું ના ઝળહળીએ કેમ?
આ વખતે તો સ્વયં પ્રગટીએ ચલો દીવાની જેમ.

– અનિલ ચાવડા

________________________________________________

દેખ  અજવાશમાં  બકોરું  છે,
શોધ કઈ બાજુ મીણ ઓછું છે.!

-સ્નેહી પરમાર

_______________________________________________

જળ બધું  એઠું  કરી નાંખ્યું  હતું,
શોધવા જાઓ તો માછલીઓ હશે !

- ભરત વિંઝુડા

________________________________________________

તું  મને ગુપ્તવાસમાં લઈ જા !

ખોઈ નાંખી છે ક્યાંક જન્નત મેં
શોધવી  છે, તપાસમાં લઈ જા !
-ભરત વિંઝુડા

(Special thanks to Dipak Bagdad) 

Thursday, August 10, 2017

હરજીવન દાફડા

આયખાની ધરા કેટલી ખોતરી,
તો ય ના નીકળી ક્યાંય લીલોતરી.

મૂળ દેખાવમાં ફેર પડતો નથી,
જિંદગીને ઘણીવાર મે કોતરી.

જોતર્યો જન્મના એક છેડે મને,
એક  છેડા  તરફ યાતના જોતરી.

એ જ ખટકી હતી મોત સુધી મને,
આંખમાં સાવ ઝીણી હતી ફોતરી.

સાવ થોડાંક શ્વાસો મને આપવા,
ઝંખનાથી ભરી ફોજ કાં નોતરી.

           -- હરજીવન દાફડા
( " આ બાજુના સૂરજ આડે " માંથી સાભાર )

Wednesday, October 26, 2016

હરજીવન દાફડા

ક્યારેય ક્યાં અકારણ થાકી ગયા છીએ,
પુષ્કળ ઉપાડી ભારણ થાકી ગયા છીએ.

પળપળ પ્રગટતા જાય છે પ્રશ્નો નવા નવા,
શોધી સતત નિવારણ થાકી ગયા છીએ.

પીડા વિનાનાં માર્ગને પામ્યા ન ક્યાંય પણ ,
વેઠી અકળ વિસામણ થાકી ગયા છીએ.

વરસો પછીય કોઈના પગલાં થયાં નહીં,
હરપળ સજાવી આંગણા થાકી ગયા છીએ.

સુખનો પ્રદેશ દૂરનો....    દૂર જ રહી ગયો,
બેહદ કરી મથામણ  થાકી ગયા છીએ.

                °°°°  હરજીવન દાફડા
( " આ બાજુના સૂરજ આડે " માંથી..)

Tuesday, August 30, 2016

નિજ નામની શોધમાં- હરજીવન દાફડા

હોઉં  છું   કાયમી  કામની  શોધમાં,
નીકળાતું   નથી   રામની  શોધમાં.

સેંકડો   વર્ષથી  આથડું   છું  અહીં,
માનવીથી  ભર્યા  ગામની  શોધમાં.

આમથી  તેમ  અફળાય છે આયખું,
બંધ  બેસે  એવાં  ઠામની  શોધમાં.

કેર ઓફ કાગળો ક્યાં લગી આવશે,
નીકળો જીવ નિજ નામની શોધમાં.

અબઘડી   યુદ્ધનો  શંખ  ફૂંકો  હવે,
વ્યર્થ  ના  જાવ અંજામની શોધમાં.
- હરજીવન દાફડા

Thursday, August 18, 2016

જોતજોતામાં વરસ અોગણસીતેર પૂરા કર્યા- હરજીવન દાફડા

જોતજોતામાં વરસ અોગણસીતેર પૂરા કર્યા,
પોતપોતામાં વરસ અોગણસીતેર પૂરા કર્યા.

કીડીઅો  ભેગી  મળી  વાતો  કરે  છે કાનમાં,
અેક છોતામાં વરસ અોગણસીતેર પૂરા કર્યા.

કાંઇપણ બોલ્યા વગર અે સાંભળે છે સર્વને,
મૂક શ્રોતામાં વરસ અોગણસીતેર પૂરા કર્યા.

પીંજરું  છોડ્યું   પરંતુુ  ઊડતાં  ન   આવડ્યું,
વ્યર્થ તોતામાં વરસ અોગણસીતેર પૂરા કર્યા.

છેક છેવાડે ઊભેલો અેક જણ બોલી ઊઠ્યો,
હા, મસોતામાં વરસ અોગણસીતેર પૂરા કર્યા.
-હરજીવન દાફડા

Thursday, June 9, 2016

વરસો ગયા છે

અધિકાર મળવામાં વરસો ગયા છે,
દિવસ-રાત લડવામાં વરસો ગયા છે.
હજી એના નિર્ણયની રાહે ઊભો છું,
મને મિત્ર ગણવામાં વરસો ગયા છે.
રજુઆત મારી હજી એની એ છે,
તને કાન ધરવામાં વરસો ગયા છે.
તને ગાઢ નિદ્રામાં શમણાઓ આવે,
મને આંખ મળવામાં વરસો ગયા છે.
યુગોથી હજી હાથ જોડી ઊભો છું,
મને પણ સુધરવામાં વરસો ગયા છે.

- હરજીવન દાફડા

Monday, May 30, 2016

નજર સામે જ છે

ભૂખથી ટળવળ થતા ચહેરા નજર સામે જ છે,
અન્નભંડારો ઉપર પહેરા નજર સામે જ છે.

ધુળ ખાતા આજ પણ ઊભા અમલની રાહમાં,
ચૂંટણી પૂર્વેના ઢંઢેરા નજર સામે જ છે.

કારમી ચીસો ય જ્યાં અથડાઈને પાછી ફરે,
આદમી એ કાનના બહેરા નજર સામે જ છે.

છેક છેવાડે ઊભો જણ કોઇને દેખાય ક્યાં,
માણસો કંઇ મુઠ્ઠી ઊંચેરો નજર સામે જ છે.

છે નરક જેવી અહીં કંઇ માણસોની જિંદગી,
અક્ષરો ' ભારત મહાન મેરા ' નજર સામે જ છે.

                     **** હરજીવન દાફડા

Tuesday, April 19, 2016

વરસો ગયા છે- હરજીવન દાફડા


અધિકાર મળવામાં વરસો ગયા છે,
દિવસ-રાત લડવામાં વરસો ગયા છે.
હજી એના નિર્ણયની રાહે ઊભો છું,
મને મિત્ર ગણવામાં વરસો ગયા છે.
રજુઆત મારી હજી એની એ છે,
તને કાન ધરવામાં વરસો ગયા છે.
તને ગાઢ નિદ્રામાં શમણાઓ આવે,
મને આંખ મળવામાં વરસો ગયા છે.
યુગોથી હજી હાથ જોડી ઊભો છું,
મને પણ સુધરવામાં વરસો ગયા છે.

- હરજીવન દાફડા

Saturday, December 26, 2015

રાતભર રહેવા મળેલી છાવણી છે...

રાતભર રહેવા મળેલી છાવણી છે,
આપણે માની લીધું કે આપણી છે,
ઘરમાં ઉત્સવ છે અને છે ભીડ ઝાઝી,
ક્યાં ખબર છે કોઇને ક્યાં ઘરધણી છે.
તું નરી કદરૂપતા શોધે છે ક્યાંથી,
સૃષ્ટિ તો ચારેતરફ સોહામણી છે.
ખીલવું મૂક્યું છે કાદવની વચોવચ,
કેટલી કોમળપણાની તાવણી છે,
કોણ આ થરથર થતા જીવને બતાવે,
તાપવા જેવી ભીતરમાં તાપણી છે.
હરજીવન દાફડા

Thursday, November 12, 2015

હવામાંથી હળવે રહી શ્વાસ લીધો,

હવામાંથી હળવે રહી શ્વાસ લીધો,
ઉછીનો સતત એમ વિશ્વાસ લીધો.

અડાબીડ અંધાર વેઠી લીધો પણ,
લગીરે ન ગજવેથી અજવાસ લીધો.

નથી કોઈ પણ આંગળી ક્યાંય દાઝી,
તમે યાર કેવી રીતે રાસ લીધો !

સદાયે રખડતા રહ્યા શેરીઓમાં,
ઘરે આવવાનો ન અવકાશ લીધો.

હજી ઘર વિચારોમાં ઘૂમી રહ્યું છે,
તમે પણ ભલા કેવો સંન્યાસ લીધો !

-હરજીવન દાફડા

Monday, October 26, 2015

શ્વાસ લીધો


હવામાંથી હળવે રહી શ્વાસ લીધો,
ઉછીનો સતત એમ વિશ્વાસ લીધો.
અડાબીડ અંધાર વેઠી લીધો પણ,
લગીરે ન ગજવેથી અજવાસ લીધો.
નથી કોઈ પણ આંગળી ક્યાંય દાઝી,
તમે યાર કેવી રીતે રાસ લીધો !
સદાયે રખડતા રહ્યા શેરીઓમાં,
ઘરે આવવાનો ન અવકાશ લીધો.
હજી ઘર વિચારોમાં ઘૂમી રહ્યું છે,
તમે પણ ભલા કેવો સંન્યાસ લીધો !
-હરજીવન દાફડા

Friday, October 9, 2015

આધાર જેનો હાથની લકીર હોય છે, -હરજીવન દાફડા.


આધાર જેનો હાથની લકીર હોય છે,
એના સીનામાં ક્યાં કદી ખમીર હોય છે !
ઘૂસી ગયેલ હોય છે હેવાન ભીતરે,
દેખાવમાં મનુષ્યનું શરીર હોય છે.o
પહેલાં તો એક માનવી રૂપે જ હોય છે,
માણસ પછી જ રંક કે અમીર હોય છે.
જીવથી ઉખેડવા પડે મમતનાં ચોપડાં,
લીલો લિબાસ માત્ર ક્યાં ફકીર હોય છે !
જન્મો ગયા છતાંય ક્યાં ખબર પડી મને,
કે મારી આસપાસમાં કબીર હોય છે.
-હરજીવન દાફડા

Monday, August 17, 2015

ઊભા હતા કોઈ અતલમાં હું અને મારી ગઝલ,

ઊભા હતા કોઈ અતલમાં હું અને મારી ગઝલ,
ઘૂંટાઈને આવ્યા ખરલમાં હું અને મારી ગઝલ.

ટૂંકાણમાં અંત:કરણની વાત કહેવાનું થયું,
બસ, ત્યારથી આવ્યા અમલમાં હું અને મારી ગઝલ.

પડતર પડેલા શબ્દોની ખેતી કરે કોઈ કલમ,
લહેરાઈએ ત્યારે ફસલમાં હું અને મારી ગઝલ.

શણગારવાની વિદ્વત્તા બાજુ ઉપર મૂકો જરા,
છીએ મનોહર દરઅસલમાં હું અને મારી ગઝલ.

કોઈ વિલક્ષણ પળ સમે પ્રગટી જવાની આશમાં,
શોધી રહ્યા વાહક સકલમાં હું અને મારી ગઝલ.

- હરજીવન દાફડા

Monday, July 6, 2015

અજવાળાના સ્વામી થોડો ટેકો કરજો
ભીતરના અંધારામાંથી નીકળવું છે
-હરજીવન દાફડા

Monday, June 29, 2015

તને શી કમી છે, કહે તો ખરો !

તને શી કમી છે, કહે તો ખરો !
નજર કાં નમી છે, કહે તો ખરો !

સ્વયં ગૂંચવાઈ ગયો શીદને ?
રમત કંઈ રમી છે, કહે તો ખરો !

ફના થઈ જવાની ઘણી રીત છે,
તને કઈ ગમી છે, કહે તો ખરો !

હજી પણ મુકામે પહોંચી નથી,
સફર ક્યાં થમી છે, કહે તો ખરો !

તને શોધવા મોકલેલો તને,
કશી બાતમી છે ? કહે તો ખરો !

-હરજીવન દાફડા

Monday, June 22, 2015

તને શી કમી છે, કહે તો ખરો !

તને શી કમી છે, કહે તો ખરો !
નજર કાં નમી છે, કહે તો ખરો !

સ્વયં ગૂંચવાઈ ગયો શીદને ?
રમત કંઈ રમી છે, કહે તો ખરો !

ફના થઈ જવાની ઘણી રીત છે,
તને કઈ ગમી છે, કહે તો ખરો !

હજી પણ મુકામે પહોંચી નથી,
સફર ક્યાં થમી છે, કહે તો ખરો !

તને શોધવા મોકલેલો તને,
કશી બાતમી છે ? કહે તો ખરો !

-હરજીવન દાફડા