ગઝલ,લોકગીત,શેર-સાયરી,કવિતા,ઉર્મિગીત વગેરે તમારી કૃતિ અમને મોકલી આપો તમારા નામ સાથે બ્લોગમા પોસ્ટ કરશું.વોટ્સએપ +91 9537397722/ 9586546474 પર

આજનો મોરલાનો ટહુકો......

Monday, December 21, 2015

અમે નિસરણી બનીને દુનિયામાં ઉભા રે…

અમે નિસરણી બનીને દુનિયામાં ઉભા રે…
ચડનારા કોઈ નો મળ્યા હો.. જી..
અમે દાદરો બનીને ખીલા ખાધા રે..
તપસ્યાના ફળ નો મળ્યા હો.. જી..

માથડા કપાવી અમે ઘંટી એ દળાણાં ,
ચૂલે ચડ્યા ને પછી પીરસાણા રે..
જમનારા કોઈ નો મળ્યા હો.. જી..

નામ રે બદલાવ્યા અમે પથિકો ને કાજે,
કેડો બનીને જુગ જુગ સુતા રે…
ચાલનારા કોઈ નો મળ્યા હો.. જી..

કુહાડે કપાણા અમે આગ્યું માં ઓરાણા,
કાયા સળગાવી ખાક કીધી રે
ચોળનારા કોઈ નો મળ્યા હો.. જી..

પગે બાંધ્યા ઘૂઘરા ને માથે ઓઢી ઓઢણી,
ઘાઘરી પહેરીને પડ માં ઘૂમ્યા રે
જોનારા કોઈ નો મળ્યા હો.. જી..

સ્વયંવર કીધો આવ્યા પુરુષો રૂપાળાં,
કરમાં લીધી છે રૂડી વરમાળા રે
મુછાળા કોઈ નો મળ્યા હો.. જી..

” કાગ ” બ્રહમલોક છોડ્યો પતિતોને કાજે,
હેમાળેથી દેયું પડતી મેલી રે
ઝીલનારા કોઈ નો મળ્યા હો.. જી..

અમે નિસરણી બનીને દુનિયામાં ઉભા રે…
ચડનારા કોઈ નો મળ્યા હો.. જી..

– દુલા ભાયા ‘કાગ’

No comments:

Post a Comment