છે સમુદ્ર સાવ નિકટ છતાંયે પૂર્વવત એ સભર નથી
હજી સૂર્ય ઊગે ને આથમે અને પહેલાં જેવો પ્રખર નથી
અભિશપ્ત છું સીસીફ્સ સમો, ચઢું ઉતરું છું હું પર્વતો
હું કશેય નહિ પહોંચી શકું, બધું વ્યર્થ છે, આ સફર નથી
અહીં કાળમીંઢ સદીઓ છે, અને કાળખન્ડનાં ચોસલાં
હું સમયનો ત્રસ્ત શિકાર છું, અહીં પળ નથી ને પ્રહર નથી
ગયો સાથ છૂટી દિશાઓનો, નહિ સ્પર્શ શેષ કશાયનો
હું સ્વયંને પૂછ્યા કરું સતત, મને અંશ માત્ર ખબર નથી
આ નગર,ગલી, અને ધૂળ આ, આ નદીનાં નીર ભર્યાં ભર્યાં
તે સિવાય પૃથ્વીમાં ક્યાંય પણ મારું ઘર નથી, મારૂં ઘર નથી
-- ભગવતીકુમાર શર્મા
No comments:
Post a Comment