ગઝલ,લોકગીત,શેર-સાયરી,કવિતા,ઉર્મિગીત વગેરે તમારી કૃતિ અમને મોકલી આપો તમારા નામ સાથે બ્લોગમા પોસ્ટ કરશું.વોટ્સએપ +91 9537397722/ 9586546474 પર

આજનો મોરલાનો ટહુકો......

Sunday, November 26, 2017

નૈષધ મકવાણા - (જિલ્લા શિક્ષણાધિકારીશ્રી ભરુચ).... માણો એમની રચનાઓ


ગઝલ.

સાવ અમસ્તી વાતમાં વાંકું પડ્યું,
જે  ન'તું   ધાર્યું  હવે સાચું પડયું .

ને પછી ટોળે વળી ઇચ્છા બધી,
દ્દશ્ય જે  સાચું હતું  ઝાંખું પડ્યું.

મેં પછી અટકળ બધી ભેગી કરી,
માપ અટકળનું ય ત્યાં ત્રાંસુ પડયું.

શું કરું સમજણ કશે વિસરાઇ ગઇ,
શુષ્ક આંખોથી પછી આંસુ પડયું.

મેં ય  મારી જાતને  માંજી  સતત,
તો ય જાણે પીઠ પર લાખું પડ્યું.

વાત વણસે  ને  પછી  વંકાય તો,
પ્રશ્ન છે ને  આયખું  આખું પડ્યું .

➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖
      
    ગઝલ   !!

સ્નેહનું  સગપણ  હશે તો  ચાલશે ,
દર્દનું     મારણ   હશે  તો  ચાલશે .

મેં  કશી આશા નથી  રાખી  છતાં,
બે'ક મીઠી  ક્ષણ  હશે તો ચાલશે .

તું અગર મળવા ચહે તો આવજે,
કાંઈ પણ કારણ હશે તો ચાલશે.

ફક્ત  જો  હુંકાર  તારો હોય તો ,
રાત,આંધી, રણ હશે તો ચાલશે.

સોળ આ શણગાર કયાંથી લાવવા?
આંખમાં આંજણ  હશે તો ચાલશે.

ને  કદી  તારી  વ્યથાના  બોજ પર ,
સત્યનું  દર્પણ   હશે  તો  ચાલશે .

વેદના  વરસી  પરસ્પર  હોય તો ,
જીભ પર ગળપણ હશે તો ચાલશે .

જિંદગીની  ભીડમાં  થાકયા વગર,
અંતમાં   સમરણ  હશે તો ચાલશે.

➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖   

   

કહેવાનું નથી.

આ સમયનું  વ્હેણ ટકવાનું  નથી,
કષ્ટ છે  તો  એય  રહેવાનું  નથી .

બસ હવે  ખુદનો ભરોસો રાખજે,
સત્ય છે  તો  લેશ  ડરવાનું  નથી .

હોય ગૂંચવણ તો પછી ઉકેલ કર,
અધવચ્ચેથી આમ ખસવાનું નથી.

જાતનો  શણગાર પોતે છે  સ્વયં,
અન્યના રંગોથી  સજવાનું  નથી.

જે  મળી આવે સફર  સંગાથમાં,
કોઇ ને પણ કયાંય નડવાનું નથી.

એ મળે અંજળવગર તો કયાં મળે?
યત્નથી  તો  કોઇ  મળવાનું નથી.

લો  બધી અટકળ તજી ચાલું હવે ,
ને વધુ  તો  કંઈ જ  કહેવાનું  નથી.

 ➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖ 


વધારે કંઈ નથી.

જિંદગી  ફંફોળવાની છે  વધારે કંઈ નથી .
જાતને  ઢંઢોળવાની  છે  વધારે કંઈ નથી .

આ ધરમ ને આ કરમની પોટલી ખડકી અહીં,
સત્યથી એ તોળવાની છે વધારે કંઈ નથી.

લોભલાલચ મોહ માયા ને અહંની આ રમત,
આ રમત રગદોળવાની છે વધારે કંઈ નથી.

આ સફરમાં ઝેર કે અમૃત મળે તે પી જવા,
એ પવાલી  ઘોળવાની છે વધારે કંઈ નથી .

ને ખરેખર આ કિનારા પર નહીં મોતી મળે.
ઠેઠ તળિયે બોળવાની છે  વધારે કંઈ નથી .

શ્વાસની પીંછી રહી ના જાય કોરીકટ પછી,
રંગમાં  ઝબકોળવાની છે  વધારે કંઈ નથી .

નાદનો આ લય અહો આનંદ ભીતર ઝણઝણે ,
બેઘડી  હિલ્લોળવાની છે  વધારે કંઈ નથી .

➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖
                             
ગઝલ........

જિંદગી લે  શ્વાસમાં  ધારું તને,
તું  હૃદયની  પ્યાસ  પોકારું તને .

ને યુગોથી તું સતત ધબકયા કરે,
લે હવે કણ કણમાં વિસ્તારું તને.

લઇ  હથોડી-ટાંકણુ  બેસું જરા,
જો પછી  અવકાશે  કંડારુ તને.

દર્દ, પીડા,  વેદના  છલકાય  તો,
હળવે હાથે  પીઠ પસવારું તને .

શબ્દ છે તો  શબ્દની સંગત કરું ,
ખેલ તારો  દાવ  પડકારું  તને !

મૌન દ્વારા તું બધું  સમજે પછી,
શું કહું ત્યાં સાવ  પરબારું તને?

આ વિષાદી પ્હાડ ઓઞળતો કરું
આશ ને ઉલ્લાસ ઓવારુ તને !

આ બચેલી ક્ષણ હવે શણગારવા,
પ્યાર લઇને આવ શણગારું તને !

- નૈષધ મકવાણા.

તરહી મિસ્રા.ભરત ભટ્ટ.

No comments:

Post a Comment