આ ડાંગર તો પળભરમાં ફાવે ત્યાં પટકું,
હું જીવતરના બોજાથી શી રીતે છટકું ?
ચોમાસે ઘાસ એમ કૈં કૈં કૈં ઇચ્છાઓ બારમાસી ફૂલે ને ફાલે,
સપનાં જરાક નથી ઊગ્યા આજે કે માંહે બળદ ઘૂસ્યા નથી કાલે,
એકાદા ખણખણતા ડૂંડાને કાજ બોલ, કેટકેટલા ખેતરવા ભટકું ?
પોરો ખાવો છ મારે બટકું.
હું જીવતરના બોજાથી શી રીતે છટકું ?
‘કંઈ નહીં’ની ભીંત ઉપર ઓકળીની જેમ બસ, લીંપાતો જાય જન્મારો,
‘ક્યાંય નહીં’ના છાણાંમાં ધુમાતી જાતને ચૂલો જ દિયે છ આવકારો.
કણકણ ઓગાળ્યા તોય જિંદગીની આંખ્યુંમાં શાને કણાં જેમ ખટકું ?
ક્યારેક ને ક્યાંક તો અટકું !
હું જીવતરના બોજાથી શી રીતે છટકું ?
- વિવેક મનહર ટેલર
No comments:
Post a Comment