એક તારી યાદમાં સઘળું ગુમાવ્યું છે અમે,
જિંદગીભર તોય ક્યાં તુજને બતાવ્યું છે અમે ?
પર્વતોના પર્વતો ઊંચકી લીધા પાંપણ ઉપર,
એક પાંપણ શું નમી, મસ્તક ઝુકાવ્યું છે અમે.
ગાલ ઉપર જે કદીયે પહોંચવા પામ્યું નથી,
આંખમાંથી એક આંસુ એમ સાર્યું છે અમે.
ખૂબ ઊંડે સાચવી છે, વાસ્તવિકતાની મહેક,
સાવ ઉપર સત્યનું અત્તર લગાવ્યું છે અમે.
સામસામે કાચ જેવું ગોઠવી દીધા પછી,
જાત એમાં શોધવા માટે વિચાર્યું છે અમે.
-સ્નેહલ જોશી
(ફરમાઇસ કરનાર- પંકજ રામ)
No comments:
Post a Comment