કોઈ જોગણનાં ચરણમાં પુષ્પ થૈ પથરાઈ જા
કે પછી વિરાંગનાનું સ્મિત બની વેચાઈ જા
શક્ય હો તો કોઈ યોગી ના અધરનું મૌન બન
કે પછી બદનામીની ચર્ચા બની ચર્ચાઈ જા
શક્તિ હો તો જા હિમાલયની બુલન્દીને નમાવ
કે પછી પાતાળમાં જૈને પતન પર છાઈ જા
હેસિયત જો હો તપ બન ફિલસૂફની ગંભીરતા
કે પછી પ્રેમીની ચંચલતા બની ફેલાઈ જા
બન જો બનવું હોય નીરવતા નનામી ક્બ્રની
કે પછી મ્હેલોનો કોલાહલ બની પંકાઈ જા
મરજી હો તો ધર્મની નીરસ લડતનું લે સ્વરૂપ
કે પછી કો રસભરી સરગમ બની રેલાઈ જા
કોઈ જખમી લાશ માટે બન કફન યા તો પછી
ચૂંદડી કોઈ નવોઢાની બની લ્હેરાઈ જા
કોઈ રૂપાળાં નયનની અર્થસૂચક વાણી બન
કે પછી અસ્પષ્ટ ચૂપકીદી બની સમજાઈ જા
એકબે જો હો તો આદમ કાન ધરીએ બે ઘડી
સેંકડો છે તુજ કથાઓ પ્રેમની જા ભાઈ જા
– શેખાદમ આબુવાલા
No comments:
Post a Comment