હાય આ કેવી મળી અમને બહારો હાય હાય
પાનખરના હરઘડી આવે વિચારો હાય હાય
સાંઝ પણ પડતી નથી કે ક્યાંક છાંયે બેસિયે
આમ તો ક્યાંથી મળે રણમાં ઉતારો હાય હાય
ફૂલ ને ઝાકળ ગળે વળગી રડે છે બાગમાં
રાતની પાછળ હતી કેવી સવારો હાય હાય
કાળજું કળિયોનું ચીરાયું ઘવાયા કંટકો
રંગ કેવા અવનવા લાવી બહારો હાય હાય
આ કયા કાંઠા ઉપર નૈયા અમારી લાંગરી
ઝાંઝવા પેઠે ઠગી બેઠો કિનારો હાય હાય
મ્હેફિલોમાં ઝૂમવા ખાતર અમે ઝૂમ્યા હતા
એટલે આવી ગઈ હોઠે પુકારો : હાય હાય
આટલાં ઠંડાં કદી સૂરજના કિરણો હોય ના
અર્ધી રાતે તો નથી જાગી સવારો હાય હાય
-શેખાદમ આબુવાલા
No comments:
Post a Comment