ગિરધરની હાલત કફોડી થઇ ગઈ. માંડ માંડ પેટિયું નીકળતું હતું, ત્યાં હાથમાં ઝાલ્યા જેવો પુત્ર કાનજી ભયંકર વ્યાધિમાં સપડાયો. ઊલટી કરે ને કોગળો લોહી તૂટી પડે.
ગિરધર ગામમાં બે-ચાર જગાએ પૈસા માટે જઈ આવ્યો. કોઈએ 'હા' ભણી નહિ.થાકી-હારીને તે કાનજીના ખાટલા પાસે, માથે હાથ દઈ બેસી પડ્યો.
'કાનજીને વધારે છે ' - વાવડ પ્રસરતા, થોડીવારમાં જ ઓસરી માનવમેદનીથી ઊભરાઈ ગઈ,ગિરધર શૂન્યમનસ્ક ભાવે , ટોળામાં થતી ગુસપુસ સાંભળતો રહ્યો.
' બાપ જેવો બાપ થઈને છોકરાને મારી નાખવા બેઠો છે .'
'હા....જુઓને ....આટલું બધું લોહી તૂટી પડ્યું છે તોય દીકરાને દવાખાને લઇ જવાનું સૂઝે છે ?'
' અરે, આ છોકરો તો હવે ઘડી બેઘડીનો મેં'માન હોય એવું લાગે છે, તોય જુઓને ..બાપ નિરાંતે બેઠો છે ..!'
ગિરધરને કહેવાનું મન થઇ આવ્યું, ' સાલાઓ ...કોઈએ રાતી પાઈ પણ આપવી નથી ને ઉપરથી ઉપદેશ આપવા નીકળી પડ્યા છો ..? '....પણ તે ચૂપ રહ્યો.
'એલા ઓ ...કેમ ભેગાં થયાં છો ? ' પાછળથી સત્તાવાહી અવાજ સંભળાયો.
' અરે .....જમાદાર સાહેબ ...તમે ..?.....જુઓ ને.....ગિરધરનો કાનજી બહુ માંદો છે.' એકે કહ્યું.
' સવારથી લોહીની ઊલટી ચાલુ છે પણ ગિરધરના મનમાંય નથી.' બીજાએ ટાપસી પૂરી.
જમાદાર સાહેબે એક કરડી નજર ટોળા પર ફેરવી ને કોઈ કાંઈ બોલે કે સમજે એ પહેલાં પગમાંથી જોડો કાઢ્યો ને ગિરધરની છાતી પર ઘા કર્યો.ટોળું અરેરાટી કરી ઊઠ્યું, ' બિચારાનો છોકરો મરણપથારીએ છે અને આ જમાદારને અહી પણ રોફ જમાવવો છે ..?!!'
ગિરધર પણ અણધાર્યા ઘાથી ડઘાઈ ગયો.તેણે ખોળામાં પડેલો જોડો હાથમાં લીધો, એ સાથે જ તેની આંખમાંથી અશ્રુધાર વહેવા લાગી; જોડામાં 'સો -સો'ની પાંચ નોટો હતી.
- મગન મકવાણા ' મંગલપંથી'
(Sender-Dipak)
No comments:
Post a Comment