શબ્દે શબ્દે ઉમંગ ધરતી,વાત એની મતવાલી છે.
આસ્વાદનો રસથાળ જાણે,રસમય કોઇ પ્યાલી છે.
ગુજરાતી ભાષા વ્હાલી છે.
સૂરતી બહુ સુંદર છે,ચરોતરી ને મે'હાણી છે,
પટણીની કંઇ વાત કરો તો,શબ્દોની ઉજાણી છે,
કાઠિયાવાડી બોલી તો,સૌ બોલીમાં નિરાલી છે.
ગુજરાતી ભાષા વ્હાલી છે.
પદ -ભજનની રમ ઝટ લાગે,પ્રભાતિયાંથી સૌ કોઇ જાગે,
આખ્યાનો નો દૌર હજી છે,આરત-કીર્તન ઘર ઘર વાગે,
ભાવ નીતરતી,હૃદય સ્પર્શી,ગીત ગઝલ કવ્વાલી છે.
ગુજરાતી ભાષા વ્હાલી છે..
ઘાયલ ,કલાપી,કાન્ત તણી,વણજાર હજી તો ચાલું છે,
જોશી,ત્રિપાઠી,ધૂમકેતુની,લટાર હજી તો ચાલું છે,
મેઘાણીની વાત કરો તો, ઉષાની કોઇ લાલી છે.
ગુજરાતી ભાષા વ્હાલી છે.
રસ નિતરતાં અલંકરણો,વિરામ ચિહ્નોની વાત વળી શું?
પ્રયોજનો ઉપમા તણાં આ, કેડીએ-કેડીએ ભાત પડી શું?
ગુજરાતી ભાષા બાગ છે ને 'ધમલ' એનો માલી છે.
ગુજરાતી ભાષા વ્હાલી છે..
-દેવેન્દ્ર ધમલ
No comments:
Post a Comment