કહ્યું કોણે કે તારી પરવા કરું છું?
હું બસ તારા સુખની તમન્ના કરું છું.
તને હું સ્મરું છું ને ભૂલ્યા કરું છું,
હું જીવતરના બે છેડા સરખા કરું છું.
આ સમજણ, આ વળગણ, આ દર્પણ યા કંઇ પણ,
અકારણ–સકારણ હું તડપ્યા કરું છું.
મને પામવા તું પરીક્ષા કરે છે,
તને પામવા તારી પૂજા કરું છું.
ઘણીવાર આ પ્રશ્ન જાગે છે મનમાં,
ખરેખર જીવું છું કે જીવ્યા કરું છું.
હવે જીતવાની મજા પણ મરી ગઇ,
તું હારે છે તેથી હું જીત્યા કરું છું.
– કિરણસિંહ ચૌહાણ
No comments:
Post a Comment