પેલી મોજાંએ ભીંજવેલી રેતી, સજન !
મને કાનમાં એ એટલું કહેતી, સજન…
‘તારા સાજનને એવું સમજાવ ને,
તું જ મોજું થઈ મળવાને આવ ને !’
રોજ ભીંજાતી રેત થાય કોરીધાકોર,
રોજ ભીંજવતાં મોજાં પણ નવ્વાનક્કોર,
એક તરસે ને એક વળી વરસાવે હેત,
મને સમજાયો હેત કેરો સાચો સંકેત,
હું તરસું, તું વ્હાલપ વરસાવ ને…!
મને મોજું થઈ મળવાને આવ ને…!
કોરી રેતીને ભીંજવતા મોજાં સમો
પ્રેમ વર્ષો વિતે ને તોયે રહેતો નવો,
કોઈ બાંધે ન કોઈને એ સાચો સંગાથ,
કેવો પળ પળનો બેઉ જણા માણે છે સાથ !
તારા હૈયાને તું પણ સમજાવ ને…!
મને મોજું થઈ મળવાને આવ ને…!
તું દરિયાનું મોજું, હું કાંઠાની રેત,
જો પૂછ્યું હોત છીપને તો એ પણ કહેત,
હું તો કોરપ ઓઢીને તને ખીજવું, સજન !
તો જ થાય ને તને, કે આને ભીંજવું સજન…?!
મને ભીતરથી આજે છલકાવને..!
મને મનગમતું મનભર ભીંજાવ ને…!
સંજય પટેલ
No comments:
Post a Comment