[From- www.anilchavda.com]
~~>Watch On YouTube :: Anil Chavda
નવા જન્મેલા કુરકુરિયાને વાઘનો ડર નથી હોતો.
કોરિયન કહેવત
પ્રિય બાળપણ, તું હજી પણ આંખના ખૂણે ક્યારેક ભેજ થઈને ડોકાય છે. મારા હાથ ખિસ્સામાં લખોટીઓ શોધે છે. મારું ચિત્ત ફરવા માંડે છે ભમરડાની જેમ. બાકસના ખોખાની છાપ હારી જતી વખતે જે દુઃખ થતું હતું તે આજે હજાર બાકસનાં ખોખાં જેટલા પૈસા પળમાં વપરાઈ જાય તોય નથી થતું. એ દુઃખ પણ મીઠું હતું. તું હજી પણ મારી અંદર કાગળની હોડીની જેમ તર્યા કરે છે. હું તને છોડી આવ્યો છું મારા ગામની સ્કૂલમાં, ગામના પાદરે, તળાવના પાણીમાં ઊંચેથી મારેલા એ ભૂસકાઓમાં, શેરીમાં રમેલી રમતોમાં, કબડ્ડીમાં, ક્રિકેટમાં, ખોખોમાં, લખોટીમાં, ખૂચમણીમાં, ગેડી-દડામાં, પકડદાવમાં… પણ હવે તું મારી સાથે પકડદાવ રમી રહ્યું છે. હું તને પકડવા મથું છું, પણ તું હાથમાં નથી આવતું. હું તારાથી ઘણો આગળ નીકળી ગયો છું. ના, એમ કહેવું વધારે યોગ્ય રહેશે કે તેં મને આગળ ધકેલી દીધો છે. ‘જબરી પ્રગતિ કરી છે તેં તો!’ એમ કહીને તું મારી સામે કટાક્ષમાં હસે છે. હવે મમ્મી મને વઢતી નથી, પણ જિંદગી વઢયા કરે છે. હવે હું લઘરવઘર નથી રહેતો પહેલાંની જેમ, પણ મારો સમય વારંવાર લઘરવઘર થઈ જાય છે. ઇચ્છા થાય છતાં હું પાણીમાં છબછબિયાં નથી કરી શકતો, હા, મારી આંખમાં પાણી જરૂર છબછબિયાં કરી જાય છે. હજી પણ થાય છે કે ગામમાં પાછો જઈને તળાવની પાળ પરથી દોડીને ઊંચો કૂદકો મારું પાણીમાં, પણ આવી ઇચ્છા પાણીમાં કૂદકો મારવાને બદલે કોઈ અગાધ ઊંડી ખાઈમાં કૂદકો મારી દે છે. હજી યાદ છે મને એક વાર હું ઝાડ પર ચડતા ફસાઈ ગયો હતો. અડધે ચડયો અને પછી ન ઉપર જઈ શકું કે ન નીચે ઊતરી શકું. ત્યારે મોટે મોટેથી રડવા લાગ્યો હતો. આજે પણ ઘણી વાર પરિસ્થિતિના ઝાડમાં એવી રીતે ફસાઈ જાઉં છું કે નથી ઉપર જઈ શકતો કે નથી નીચે ઊતરી શકતો. સ્થિતિ એવી હોય છે કે રડી પણ નથી શકતો. પ્રિય બાળપણ, તારા જવાથી મારી રડવાની માસૂમિયત પણ ગઈ. હવે ઇચ્છું તોય મોટેથી રડી નથી શકાતું. રડવાનું આટલું મોટું સુખ મેં તારી સાથે સાથે જ ગુમાવી દીધું, પણ મારી અંદર હજી બાળપણ જીવ્યા કરે છે. ક્યારેક રાજેશ રેડ્ડીનો શેર મનોમન બોલાઈ જવાય છે.
મેરે દિલ કે કિસી કોને મેં એક માસૂમ સા બચ્ચા,
બડોં કી દેખ કે દુનિયા બડા હોને સે ડરતા હૈ.
પ્રિય બાળપણ, તારા વિના હવે રિસેસમાં ગુલ્લી મારવાનો આનંદ જતો રહ્યો છે. નોકરીઓમાંથી ગુલ્લી મારવાનું મન થઈ આવે ક્યારેક, પણ પિરિયડમાં ગેરહાજર રહેવામાં ઓછા માર્ક્સ આવશે તો શું થશે, એની એટલી બધી બીક નહોતી, જેટલી ઓછા પગારની રહે છે. તને છોડયા પછી મારા અભ્યાસે મને માત્ર નોકરીનો ‘ન’ જ શિખવાડયો, જે ‘ન’કાર તરફ લઈ જાય છે. ક્યારેક જિંદગીની બીક લાગે છે, પણ પેલી કોરિયન કહેવત છેને કે નવા જન્મેલા કુરકુરિયાને વાઘનો ભય હોતો નથી, તેમ તારી સાથે હતો ત્યારે જિંદગીનો સહેજ પણ ભય નહોતો લાગતો. હા હું પતંગ તો હજી પણ ઉડાડું છું, પણ પેલી મુગ્ધતા, જે પતંગ સાથે જ ઊડતી હતી તે હવે પાંખો પણ નથી ફફડાવી શકતી. બાવળનો કપાયેલો કાંટાવાળો કે બોરડીની ડાળીઓનો ઝંડો કરીને પતંગો લૂંટતી વખતે કેવી મજા પડતી! ઉડાડવા કરતાં લૂંટવાની મજા જ કંઈ ઔર હતી. પતંગો લૂંટવા કરતાં હવે જિંદગી મને વધારે લૂંટી રહી છે.
પ્રિય બાળપણ, તારાથી છૂટાછેડા લઈને હું યુવાનીને પરણ્યો, એ પણ હવે મને સાચવવા નથી માગતી. હમણાંથી વૃદ્ધાવસ્થા નામની એક સ્ત્રી મારી પાસે આવવા મથ્યા કરે છે. મને પોતાની પાસે બોલાવ્યા કરે છે. હું દરરોજ એને મળું છું, મારા ઘરના અરીસામાં. લાગે છે કે આ યુવાની પણ હવે ડિવોર્સ પેપર પર સહી કરાવી જ લેશે. આ વૃદ્ધાવસ્થાનો ઇરાદો સારો નથી લાગતો, પણ ન જાણે કેમ હું એની તરફ ધકેલાતો જાઉં છું. એ મને ખેંચી રહી છે દિવસે ને દિવસે પોતાના તરફ. મારી ચામડીને કરચલી ઓઢાડી રહી છે, મારી આંખમાં ઝાંખપની મેશ આંજી રહી છે. બાળપણમાં થપ્પોની રમત રમતાં રમતાં જે રીતે છુપાઈ જતા હતા તેમ હું તેનાથી ભાગીને ઘણી વાર છુપાઈ જાઉં છું, સફેદ ચાંદી જેવા વાળ પર ડાઈની કાળાશ પાથરી દઉં છું, પણ બે-ચાર દિવસમાં તો એ મને તરત જ પકડી પાડે છે અને કહી દે છે થપ્પો!! મારી વૃદ્ધાવસ્થા મને નહીં જ છોડે. પ્રિય બાળપણ, આ ક્ષણે હું તને મિસ કરું છું. બાળપણમાં લાકડીના ડંડે રમતો હતો, હવે એ જ લાકડી આ ઘડપણમાં ટેકણલાકડી થઈને મને ફરી મળી છે. પણ હવે હું લાકડી સાથે એ મસ્તીથી રમી નથી શકતો, જે મસ્તીથી પહેલાં રમતો હતો. સમયની કાળમીંઢ અને અદૃશ્ય લાકડી સતત મારી પીઠ પર પડતી રહી છે, એટલે જ તો આ વૃદ્ધાવસ્થામાં હું કમરથી વળતો જાઉં છું. પ્રિય બાળપણ, તું આવ મારી પાસે. થોડી વાર માટે બેસ. મારી સાથે વાતો કર, રમતો રમ, બાળપણમાં રમતા હતા એવી જ રમતો… મારે રમવું છે તારી સાથે! હું મૃત્યુની પાળ પર ઊભો છું, ત્યાંથી ગબડી પડું તે પહેલાં એક વાર, માત્ર એક વાર મા જેમ પોતાના બાળકને કરે છે એમ જ તું મારા હોઠ પર એક ચુંબન કરી દે, કેમ કે હું અત્યારે તને ખૂબ જ મિસ કરું છું.
મનની મોસમ : અનિલ ચાવડા
No comments:
Post a Comment