વરસો પહેલાંની વાત છે. હોલૅન્ડનું એક નાનકડું ગામ. ગામ લોકોનો મુખ્ય વ્યવસાય માછીમારીનો. લોકો મુખ્યત્વે દરિયા પર નભતા એટલે લગભગ દરેકેદરેક ઘરમાંથી એકાદ બે જણને તો દરિયો ખેડવા જવું જ પડતું. ઘણી વખત જ્યારે દરિયામાં તોફાનો આવતાં ત્યારે માછલી પકડવા ગયેલી હોડીઓ એમાં ફસાઈ જતી અને સમયસર મદદ ન મળે તો માછીમારોનો ભોગ પણ લેવાઈ જતો. એટલે વારંવારની આ તકલીફને પહોંચી વળવા ગામલોકોએ ભેગાં થઈને એક મજબૂત બોટ બચાવ માટે વસાવી હતી. ઉપરાંત થોડાક ચુનંદા યુવાનોને તાલીમ આપીને બચાવટુકડી પણ બનાવી હતી. જેવો વાયરલેસ પર મદદનો સંદેશો (S.O.S.) મળે કે તરત જ બચાવટુકડી પેલી મજબૂત બોટ લઈને તોફાનમાં ફસાઈ ગયેલા વહાણ કે હોડીને મદદે નીકળી પડતી.
એક દિવસ એ ગામની કેટલીક હોડીઓ માછલી પકડવા ગઈ હતી. અચાનક તોફાન આવી ચડ્યું. ભયંકર પવન અને રાક્ષસી મોજાંઓની થપાટો એવી હતી કે ભાગ્યે જ કોઈ બચી શકે. મોટા ભાગની હોડીઓ પાછી ફરી ગઈ, છતાં હજુ કોઈક બાકી રહી ગયું હોઈ શકે એવી ધાસ્તી સાથે બચાવ ટુકડી બોટ તૈયાર રાખીને જ બેઠી હતી. એ જ વખતે મદદનો સંદેશો મળ્યો. બચાવ ટુકડીના કૅપ્ટને ગામને જાણ કરી. ગામના લોકો દરિયાકાંઠે ભેગા થઈ ગયા. ગામના સાથે જરૂરી વાત કરી એ મજબૂત બોટ સાથે બચાવ ટુકડી દરિયાનાં ભીષણ મોજાંઓ વચ્ચે અદશ્ય થઈ ગઈ. ગામના લોકો બેચેનીપૂર્વક એમના આવવાની રાહ જોતા કાંઠા પર જ ઊભા રહ્યા. એમાંના ઘણા હાથમાં તોફાનમાં ન ઓલવાય એવા ફાનસ હતા તો વળી કોઈકના હાથમાં દૂર સુધી પ્રકાશ ફેંકી શકે એવી ટૉર્ચ પણ હતી. એકાદ કલાક એમ જ વીતી ગયો. એ પછી જાણે ધુમ્મસનો પહાડ ચીરીને આવતી હોય એમ કાંઠા તરફ આવી રહેલી બોટ દેખાઈ. ખુશીથી ચિચિયારીઓ પાડતાં ગામલોકો સામે દોડ્યા. બોટમાં બેઠેલ દરેક જણ વરસાદ, પવન અને અત્યંત થાકના લીધે ઢીલુંઢફ્ફ થઈ ગયેલું દેખાતું હતું. બોટમાંથી ઊતરીને કાંઠાની ભીની રેતી પર ફસડાઈ પડતાં કૅપ્ટને કહ્યું કે, ‘એક નાનકડી હોડી પર રહેલ એક માણસને બાદ કરતાં બધાને બચાવી લેવાયા છે. ફક્ત એ એક જ માણસને પાછળ છોડી દેવો પડ્યો છે. જો એને બેસાડ્યો હોત તો બોટ ડૂબી જવાનો ખતરો હતો. એટલે બાકી બધાને બચાવવા માટે અમારે એને એની હોડી સાથે જ છોડી દેવો પડ્યો.’
લોકો એકબીજા સામે જોવા માંડ્યાં.
થાક ઓછો થતાં જ કૅપ્ટન ઊભો થયો અને બોલ્યો, ‘ચાલો, હું જાઉં છું. પેલા એકલા માણસને પાછો લાવવા. છે કોઈ મારી સાથે આવવા તૈયાર ? જો કોઈ નહીં જઈએ તો ચોક્કસ એ માણસ ડૂબી જશે. એ ખૂબ જ થાકેલો લાગતો હતો અને એની હોડી પણ ડૂબી જાય એવી જ હતી !’ તાલીમ પામેલ ટુકડી ખૂબ જ થાકી ગઈ હતી. એમાંથી કોઈ ઊભું ન થયું. છેલ્લે એક સોળેક વરસનો છોકરો ઊભો થયો. એ બોલ્યો, ‘તમારી સાથે હું આવીશ, ચાલો !’ એટલું કહીને એ બોટમાં ચડવા જતો હતો ત્યાં જ એની મા દોડતી આવી. એણે એનો હાથ પકડી લીધો અને બોલી, ‘નહીં મારા દીકરા ! હું તને તો નહીં જ જવા દઉં. તારા પિતાજી દસ વરસ પહેલાં આવી જ એક દરિયાઈ હોનારતમાં ડૂબી ગયા હતા. તારો મોટો ભાઈ પૉલ પણ ત્રણ અઠવાડિયાં પહેલા જ માછલી પકડવા ગયો હતો. એ પણ પાછો ન આવ્યો. હવે મારી પાસે બસ તું જ છે, બેટા ! હવે મારો એકમાત્ર આધાર તું જ છે એટલે તને તો નહીં જ જવા દઉં !’
માનો હાથ છોડાવીને મક્કમતાપૂર્વક એ છોકરો બોટમાં ચડી ગયો. બોટ ઊપડી ત્યારે એ બોલ્યો, ‘મા ! ગામ માટે કામ કરવાનો વારો આવે ત્યારે આપણે આપણો સ્વાર્થ જોવાનો ન હોય. મારે ગામ પ્રત્યેની ફરજ બજાવવી જ જોઈએ !’
એ છોકરાની મા આક્રંદ કરતી રહી. ગાંડાતૂર મોજાંઓ વચ્ચે બોટ ફરી એક વાર અદશ્ય થઈ ગઈ. ગામના લોકો એમ જ કાંઠા પર ઊભા હતા. બીજો એકાદ કલાક વીતી ગયો. બધા ચૂપચાપ અને ધડકતા હૈયે ઊભા હતા. થોડી વાર પછી ફરી એક વખત ધુમ્મસ અને અંધકારનો પહાડ ચીરીને આવતી બોટ નજરે પડી. બોટ જરાક નજીક આવી એટલે ગામના થોડાક માણસો સામે દોડ્યા. દૂરથી જ એમણે બૂમ પાડી :
‘અરે ભાઈ ! તમને પેલો માણસ સુખરૂપ મળી ગયો કે નહીં ?’
‘હા ! મળી ગયો !’ બોટમાંથી જવાબ મળ્યો. એ અવાજ પેલા સોળેક વરસના છોકરાનો હતો. એણે બૂમ પાડીને કહ્યું : ‘એ માણસ તો મળી ગયો છે, પરંતુ તમે કોઈ મારી માને કહો કે એ માણસ બીજો કોઈ નહીં, પણ મારો મોટોભાઈ પૉલ છે !’
No comments:
Post a Comment