આ પણ એક કાવ્ય પ્રકાર :
વિલાનેલ
આનાકાની કર મા, મનિયા !
વ્હેણ સમજ ‘ને વહી જા સાથે
સામા પૂરે તર મા, મનિયા !
શ્રદ્ધાને ખોતર મા મનિયા !
તર્કોના નખ ઝેરીલા છે
આનાકાની કર મા, મનિયા !
લૂના રસ્તે ફર મા, મનિયા !
મૃગજળ વચ્ચે જાત મૂકીને
સામા પૂરે તર મા, મનિયા !
ચોરે તું ચીતર મા, મનિયા !
ઘરની વાતો ઘરમાં શોભે
આનાકાની કર મા, મનિયા !
દિવસે દીવો ધર મા, મનિયા !
સૂરજભાનો અહમ્ ઘવાશે
સામા પૂરે તર મા, મનિયા !
મે’માનો નોતર મા, મનિયા !
બેસી એકલતાને તીરે
આનાકાની કર મા, મનિયા !
સામા પૂરે તર મા, મનિયા !
– મિલિન્દ ગઢવી
No comments:
Post a Comment