આપણે માણસ થવાની તક અહીં ચૂકી ગયાં,
જળને તરતું રાખવાને પથ્થરો ડૂબી ગયાં.
પેટનો ચૂલો ન માંગે એકપણ દીવાસળી,
ઘરનો ચૂલો ફૂંકવામાં આપણે સળગી ગયાં.
મનનાં મૂંઝારા વિષે કહેવું ઘણાંને હોય છે,
ભીંતને પણ કાન છે તો ભીંતમાં બોલી ગયાં!
ટોચ પરથી ખીણનું સૌંદર્ય દેખાતું નથી,
એટલે ઊપર જતાં અધવચ અમે અટકી ગયાં.
વૃક્ષથી વરસાદ કે વરસાદથી આ વૃક્ષ છે,
જે હશે તે પણ અહીંયા બે જણાં જીવી ગયાં.
ભરબજારે અમને છેતરવા બહુ મુશ્કેલ છે,
પણ અહીંયા વહાલની વાટે ઘણાં લૂંટી ગયાં
-ગૌરાંગ ઠાકર
No comments:
Post a Comment