દર્દ કેરા કણ હશે તો ચાલશે.
તરબતર આ રણ હશે તો ચાલશે.
લાગણીના ફૂલને ઊંચકી જશું ,
ભાર કંઇ બે મણ હશે તો ચાલશે.
જેટલો ગુસ્સો કરો , ગુસ્સા મહીં,
સ્હેજ પણ સગપણ હશે તો ચાલશે.
એમ ના દોડ્યા કરો કંઇ સ્વાર્થમાં ,
હેતનું વળગણ હશે તો ચાલશે.
પ્રેમને જાહેર કરવામાં ભલા ,
બોગદું કારણ હશે તો ચાલશે.
હું મને અંતર સુધી જોઈ શકું ,
એવડું દર્પણ હશે તો ચાલશે.
હું ય પણ માણસ અને માણસ છું બસ ,
એટલી સમજણ હશે તો ચાલશે.
આંખમાં ચાલો 'ધમલ'જોયા કરી ,
એ પછી મારણ હશે તો ચાલશે.
- દેવેન્દ્ર ધમલ
No comments:
Post a Comment