ફુલ ખીલ્યું ને ઉપવનમાં તો અજવાળું અજવાળું,
ભમરાઓ તો મનમાં ગૂંજે ગીત ગહન મર્માળુ.
વાસંતી સંદેશો લઈ મન ઉડે આમ ને તેમ,
દિશ દિશમાં સુગંધી, સૂરજ છલકાવે છે પ્રેમ;
કંઠ ઝનકતી કોયલને હું કેમ કરી સંભાળું ?
ફુલ ખીલ્યું ને ઉપવનમાં તો અજવાળું અજવાળું.
આપણ ક્યાંય જવું નથીજી, ઉડે સૂર-ગુલાલ,
એકમેકનાં રંગેસંગે આપણ ન્યાલમ ન્યાલ;
આંખોમાં રેશમિયા મનનાં સપનાને પંપાળું,
ફુલ ખીલ્યું ને ઉપવનમાં તો અજવાળું અજવાળું.
-પન્ના નાયક
No comments:
Post a Comment