તારી ને મારી જ ચર્ચા આપણી વચ્ચે હતી,
તોય એમાં આખી દુનિયા આપણી વચ્ચે હતી.
આપણે એકાંતમાં ક્યારેય ભેગાં ક્યાં થયાં ?
તો ય જોને કેવી અફવા આપણી વચ્ચે હતી.
આપણે એક સાથે શ્વાસોચ્છ્વાસ જીવ્યાં તે છતાં,
એકબીજાની પ્રતીક્ષા આપણી વચ્ચે હતી.
કોઈ બીજાને કશું ક્યાં બોલવા જેવું હતું,
આપણી પોતાની સત્તા આપણી વચ્ચે હતી.
આપણે તો પ્રેમના અરમાન પૂરવાના હતા,
ક્યાં અજૂગતી કોઈ ઈચ્છા આપણી વચ્ચે હતી ?
આપણે તો સાવ ઝાકળમાં પલળવાનું હતું,
ક્યાં સમન્દરની તમન્ના આપણી વચ્ચે હતી ?
યાદ કર એ પુણ્યશાળી પાપની એકેક ક્ષણ,
કેવી લીલીછમ અવસ્થા આપણી વચ્ચે હતી ?
એક ક્ષણ આપી ગઈ વનવાસ સદીઓનો,
એક ક્ષણ માટે જ મંથરા આપણી વચ્ચે હતી
No comments:
Post a Comment