પાંપણ ભીની કરો નહીં, સપનાં તણાય છે,
પડછાયા ઊંચકી પછી ઘરમાં લવાય છે.
સૂરજના પ્રેમમાં તમે શું શું ગુમાવિયું,
ઝાકળની જાતને કદી પૂછવા જવાય છે ?
આંખોને બોલવા વિશે સમજાવવું પડે,
હૈયાને હાથમાં લઈ થોડું અપાય છે ?
પાછાં જવાનું થાય તો ગમશે તને, નદી,
સાગરથી એટલુંય ક્યાં પૂછી શકાય છે !
સંવેદનાની દોરથી બાંધીને રાખજો,
સંબંધની કિતાબનાં પાનાં છપાય છે.
વંચાવવા ચહો છતાં વાંચી નહીં શકો,
ઈચ્છાઓ શ્વાસના ખૂણે એવી લપાય છે.
જીવનનો દાખલો હશે સીધો સરળ, કબૂલ,
‘ચાતક’થી એ હજીય ક્યાં પૂરો ગણાય છે !
– ‘ચાતક’ દક્ષેશ કોન્ટ્રાકટર
No comments:
Post a Comment