ચાર પ્રહરની રાતડી, કટકે કટકે જાય,
કોંચી કોંચી ખાય, આંખ મહીનાં માંસને,
ખટકાયો એ ચાંદલો, ચહુ દિશ લાગે અંધ,
તેજ ભર્યાં દુર્ગંધ, રેલાં દડતાં આભથી,
ખાટ પડી ત્યાં એકલી, પાયા કાચા ભંગ,
સૂક્કાં પડતાં અંગ, માંકડ ચાંચડ ફોડતાં,
ધક ધક છાતી ફાટતી, પો’ર ચડે નહીં એક,
પરોઢ આઘું છેક, ચૈન ન પડતો દેહકો,
કોળ્યું આખું દ્રશ્ય ત્યાં, સબ કુછ થયું અલોપ,
સૂર ભરેલી તોપ, ચારે બાજુ ફૂટતી,
પડછયો જ્યાં આવતો, આઘે દીઠો એક,
તોડી ઉંબર છેક, ઝનનન ઝાંઝર દોડિયું,
પરસન સૂરજ બાપલાં, બાળ્યાં ધુમ્મસ ગાઢ,
ધારી ધારી આંખ, દેખે સાંવર આવતો,
સરકું સરકું બાંહમાં, એકજ ડગલું શેષ,
ગાલ ભરેલાં મેશ, રાતાં ફૂટે ટીશિયા,
અડકું અડકું સાયબા, આંખ વસ્યું રે જાગ,
ફૂટ્યું રે મુજ ભાગ, ખાટ હજીયે એકલી,
હાય અભાગણ જીવ હું, આ તે વેરી રાત,
સપને હતી નિરાંત, અબ ત્યાં નોખાં ઢોલિયા,
રાત હજુયે એવડી, ખાવા સામે ધાય,
કટકે કટકે જાય, ચાર પહરની રાતડી.
–ચિંતન શેલત
No comments:
Post a Comment