લાગણી ને આમનાં વિસ્તાર વચ્ચે આવશે,
આપણા હોવાપણાનો ભાર વચ્ચે આવશે.
કાન મીંચી મૌનનાં ખંડેરમાં બેઠા પછી,
સૂક્ષ્મતમથી સૂક્ષ્મતમ ઉદગાર વચ્ચે આવશે.
આ સડકની સામસામે આપણું હોવું અને,
સાયકલ રીક્ષા ખટારા કાર વચ્ચે આવશે.
આંગણું સંબંધનું કોરું રહી જાશે અગર,
એક દી વરસાદ મુશળધાર વચ્ચે આવશે.
વચ્ચેની દિવાલ કેવી પારદર્શક છે હજી,
પણ સમય વિતે સમયનો ક્ષાર વચ્ચે આવશે.
માર્ગનાં અંતે હશે એક બારણું પણ તે પ્રથમ,
ઝંખનાનો ભૂખરો વિસ્તાર વચ્ચે આવશે.
તું બધું છોડીને ચાલી તો નીકળ પહેલાં, પછી
ડગલે ને પગલે ભર્યા ભંડાર વચ્ચે આવશે.
કોના કોના આંગળાની છાપ છે ગરદન ઉપર ?
દોસ્તોનાં નામ વારંવાર વચ્ચે આવશે.
આ ગઝલનાં આયનાઘરમાં કદમ મૂકો અને,
ગુર્જરી સોળે સજી શણગાર વચ્ચે આવશે.
- આદિલ મંસૂરી
No comments:
Post a Comment