મેળવણના પગને ક્યાં ઝાંઝર હતું,
શાંત રીતે સૌનું રૂપાંતર હતું.
જાય તો પણ ના કશું ઓછું થતું,
‘ચાહવું’ એ તો અખેપાતર હતું.
કેમ એ અસ્વસ્થ થઈ ભટકયા કરે?
સ્વસ્થતામાં માપસર જીવતર હતું.
જોઈ એને નડતરો આઘાં હટે,
પણ પડેલો પથ કહે, નીંભર હતું.
આમ ના આહ્લાદ પડખું ફેરવે,
કોઈ મારામાં અવર અકસર હતું.
લીન ગુપચુપ દૂર ઝગમગતી હતી,
કોક મંડલ નભનું ધરતી પર હતું.
રૂબરૂમાં આંખ ખૂલે ને મીંચે,
ભીતરે કેવળ બધું સુંદર હતું.
શી રીતે ‘ખામોશ’ની ઓળખ મળે,
એકલું અંધારું એના પર હતું !
– ‘ખામોશ’ ચંદુભાઈ પટેલ
No comments:
Post a Comment