ગઝલ,લોકગીત,શેર-સાયરી,કવિતા,ઉર્મિગીત વગેરે તમારી કૃતિ અમને મોકલી આપો તમારા નામ સાથે બ્લોગમા પોસ્ટ કરશું.વોટ્સએપ +91 9537397722/ 9586546474 પર

આજનો મોરલાનો ટહુકો......

Saturday, July 18, 2015

મેઘલી શ્યામલ એક રાતે, આપણી પ્રથમ મુલાકાતે,
એક રસ્તાની બંને તરફ ભીંજતા એકબીજાને આપણે જડ્યા,
મને યાદ છે.. તને યાદ છે?

પછી પગલાંએ પંથ જરા ટૂંકો કર્યો,
પછી મોસમને ચાહવાનો ગુનો કર્યો.
પછી હૈયાની હોવાનાં અણસારે તું,
પછી શ્વાસોનાં અજવાળે ઓગળતો હું,
અવસરને અજવાળી જાતે, એકબીજાની લાગણીઓ ખાતે,
ભાન ભૂલીને ઓગળતા એકમેકમાં, એકબીજામાં ભૂલા પડ્યા.
મને યાદ છે.. તને યાદ છે?

પછી સપનાની કુંપળને સમજણ ફૂટી,
પછી જીવવાની જંખનાઓ સાથે લૂટી,
પછી સુખ દુખનાં સરવાળા સાથે જીત્યા,
પછી તારીખનાં પાનામાં વર્ષો વિત્યા,
જીવનની જૂદી શરૂઆતે, મસ્તીનાં મતવાલા નાતે,
સાવ અંગત બની ઝૂમતા-ચૂમતાં, સાવ અંગત બની ઝળહળ્યા.
મને યાદ છે.. તને યાદ છે?

હવે વાતાવરણ છોને વરસાદી છે,
હવે આંખો પણ એવી ક્યાં ઉન્માદી છે?
હવે ડૂમાનો તરજુમો, ડુસ્કાનું ઘર,
હવે તારા વગર મારું સૂનું નગર,
નાહક નજીવી કોઈ વાતે, અજાણ્યા કોઈ આઘાતે,
અધવચાળે મૂકી સાથ-સંગાથને એકબીજાથી છૂટા પડ્યા.
મને યાદ છે.. તને યાદ છે?

- અંકિત ત્રિવેદી

No comments:

Post a Comment