મોટા મોટા માણસ
થઇને કરવાનું શું?
ધોળે દિ'એ ફાનસ
થઇને કરવાનું શું?
એકે ટીપું એમાંથી
જો વરસે નહીં તો,
આખેઆખું વાદળ
લઇને કરવાનું શું?
જો કદી એ બીજા
માટે થાય ના ભીની,
બેઉ આંખે પાંપણ
લઇને કરવાનું શું?
ઢાંકે તો તું જીવતાનું
એક અંગ ઢાંકજે,
બાકી પેલું ખાંપણ
થઇને કરવાનું શું?
એ છે સર્જક તો
અમે પણ સર્જન એના,
શ્વાસે શ્વાસે માંગણ
થઇને ફરવાનું શું?
લખવા તારે લાગણીઓની
સ્યાહી છે ને?
બાકી કોરો કાગળ
લઇને કરવાનું શું?
No comments:
Post a Comment