ભૂવા જાગરિયાના દોરા તું છોડ,
અને ન માળા ફેરવ તું સીતા-રામની..
તને નજરું લાગી છે મારા નામની !
લહેરાતા વાળ તારે ખેંચીને બાંધવા
ને આઇનામાં જોઇ અમથું હસવું
માથે ઓઢીને તારું શેરીમાં ફરવું
ને ઊંબરે બેસીને તારું રડવું
ઘરના તો ઠીક હવે ગામ આખું કહેશે,
કે રહી ના હવે તું કશા કામની..
તને નજરું લાગી છે મારા નામની !
વાસીદું કરશે તો છાણવાળા હાથ
હવે મેંહદી રંગેલ તને લાગશે
ઓચિંતા આંગળીમાં વાગશે ટચાકા
અને કેટલીય ઇચ્છાઓ જાગશે
વાડીએ જવાનું કોઇ બહાનું કાઢીને હવે
પકડી લે કેડી મારા ગામની..
તને નજરું લાગી છે મારા નામની !
ભૂવા જાગરિયાના દોરા તું છોડ,
અને ન માળા ફેરવ તું સીતા-રામની..
તને નજરું લાગી છે મારા નામની !
No comments:
Post a Comment