ગઝલ,લોકગીત,શેર-સાયરી,કવિતા,ઉર્મિગીત વગેરે તમારી કૃતિ અમને મોકલી આપો તમારા નામ સાથે બ્લોગમા પોસ્ટ કરશું.વોટ્સએપ +91 9537397722/ 9586546474 પર

આજનો મોરલાનો ટહુકો......

Saturday, December 26, 2015

શું થશે?

આશાનું, ઇન્તેઝારનું, સપનાનું શું થશે?
તું આવશે તો મારી આ દુનિયાનું શું થશે?

આ ઝાંઝવાથી એક ગતીશીલતા તો છે,
મળશે ઝરણ જો માર્ગમાં પ્યાસનું શું થશે?

દુઃખ પર હસીતો દઉં છું મગર પ્રશ્ન થાય છે,
જે દોસ્ત દઇ ગયા એ દિલાસાનું શું થશે?

હું એ ફિકર કરીને ભટકતો રહ્યો સદા,
મંઝિલ મળી જશે પછી રસ્તાનું શું થશે?

ખીલે છે ફૂલ તોય રૂદન છે તુષારનું,
કરમાશે ફૂલ ત્યારે બગીચાનું શું થશે?

ચમકે ન મારું ભાગ્ય ભલે કિન્તુ ઓ ખુદા,
તારા ગગનમાં કોઇ સિતારાનું શું થશે?

અત્યારથી જ મારી ફિકરમાં સુકાય છે,
હું જો ડૂબી જઇશ તો દરિયાનું શું થશે?

આ મયકદાનું એટલું તો અમને ભાન છે,
નહીં આવશું અમે તો મદિરાનું શું થશે?

બેફામ એટલે તો નિરાંતે ઊંઘી જશું,
જીવવાનું દુઃખ જ્યાં થાય ત્યાં મરવાનું શું થશે?

– બરકત વિરાણી ‘બેફામ’

No comments:

Post a Comment