ગઝલ,લોકગીત,શેર-સાયરી,કવિતા,ઉર્મિગીત વગેરે તમારી કૃતિ અમને મોકલી આપો તમારા નામ સાથે બ્લોગમા પોસ્ટ કરશું.વોટ્સએપ +91 9537397722/ 9586546474 પર

આજનો મોરલાનો ટહુકો......

Saturday, January 2, 2016

ચોડી રહ્યો પરાજિત ચોખા વિચારના

વસ્ત્રો નથી વણાતાં પાકા વિચારનાં,
ખડકી રહ્યો છું તો પણ તાકા વિચારનાં !

ભાષા નથી ઉકલતી મારી લખી મને,
ખોલીને રોજ બેસું છાપાં વિચારનાં !

ભટકી ન જાય જો જો અર્થોના કાફલા,
દીવા બળી રહ્યા છે ઝાંખા વિચારનાં

તો પણ શબદની પોઠો સોસરવી નીકળે,
બારીક સોયનાં છે નાકાં વિચારનાં !

અસ્તિત્વ તોય મારું તરસ્યું રહી ગયું,
હું પી ગયો છું દરિયા આખા વિચારના !

ભીંતે ટપાલ માફક હું વાંચતો રહુ,
મારીને ગઇ છે દીકરી થાપા વિચારના !

મહેફિલને લ્યો ગઝલનો આ ચાંદલો કરી,
ચોડી રહ્યો પરાજિત ચોખા વિચારના !

--પરાજિત ડાભી

No comments:

Post a Comment