કોઈની પણ દીકરીને સાસરે વળાવવામાં આવતી હોય ત્યારે કાર કે સ્કૂટર બાજુમાં ઊભું રાખીને પણ તે દૃશ્ય જોજો. તમે આપેલી દસ મિનિટ જ નહીં, પણ તમારા દસ દિવસ સુધરી જશે. રડીને પણ હળવા થઈ શકાય ? આનંદિત થઈ શકાય ? હા... સાસરે જતી કોઈની પણ દીકરીને જોવાનો, આંસુ સાથે આનંદનો પ્રસંગ ! કેવો અમૂલ્ય પ્રસંગ. એક જ બોલથી બાપની બોલતી બંધ કરી દેતી દીકરીએ હવે સતત બીજાના જ બોલ મૌન બનીને સાંભળવાના છે. છતાં આનંદિત થઈને રડતો બાપ દીકરીને સાસરે વળાવે ત્યારનો પ્રસંગ રામાયણ કે ગીતા કરતાં સહેજ પણ ઓછો પવિત્ર નથી. આવા પવિત્ર પ્રસંગે આંસુરૂપે પડતું દરેક ટીપું ગંગાના પવિત્ર જળ જેટલું જ પવિત્ર ગણાય. આવું દરેક આંસુ અમૃત જળ કહેવાય. જેને વહેવડાવવાનો મોકો ભાગ્યશાળી વ્યક્તિને જ મળે. કેટલાક વિધાનો વિચારજો... કોઈ દીકરીએ બાપ પાસે માગ્યું નથી અને કોઈ બાપે દીકરીને ઓછું આપ્યું નથી. દીકરી ઘર છોડીને જાય ત્યારે થાપા કરે છે, કારણ તે જાણે છે બાપનો દીકરો મિલકત માટે અંગૂઠો કરશે અને મિલકત લેશે. જ્યારે દીકરી કહે છે કે, ભાઈ માત્ર અંગૂઠો જ નહીં, મારા દસેદસ આંગળાની છાપ આપું છું કે મારે મિલકત જોઈતી નથી. દીકરીને કારણે બાપ દેવાદાર બન્યો હોય તેવા ઉદાહરણ ભાગ્યે જ હશે, પણ દીકરાને કારણે ? દીકરી એ તો બાપનું આરોગ્ય છે. માટે તો દીકરીને કાળજાનો કટકો કહ્યો છે, દીકરાને નહીં.......
No comments:
Post a Comment