નજરને અદભૂત નવાઈ દીધી.
મનનની દિશાઓ સવાઈ દીધી.
પ્રત્યુતર રૂપે જીવનના પ્રભુ !
માનવીને ભવની ભવાઈ દીધી.
અર્જિત ફળની અપેક્ષા કાજે,
કર્મ તણી સહજ કમાઈ દીધી.
નિરખે નયન સર્વત્ર તારી છબી,
રોશની સઘળે નૂરે ખુદાઈ દીધી.
કરામાત છે ઐક્યની વાહ કેવી !
બે આંખે દૃશ્યની અખિલાઈ દીધી.
કણ શો ભાસે મુજ દેહ બ્રહ્માંડ મહીં,
માનવતા શી ભવ્ય ઊંચાઈ દીધી.
માણી શકું તુજ સકલ ભવ્યતા,
સંસાર મધ્યે મસ્ત ફકીરાઈ દીધી.
પામું સતત તવ સાનિધ્ય બધે,
વિસ્તરેલી સઘળે વનરાઈ દીધી.
અંતર મધ્યે તુજ સ્મરણ રહે એથી,
નિત્ય ગુંજતી ભીતર શરણાઈ દીધી.
'દાજી ' એથી વધુ શું ઇચ્છી શકે ?
જયાં હજારો અંતરની દુહાઈ દીધી.
' દાજી '
No comments:
Post a Comment