ક્યાંક મળો તો રોકી લેજો, બીજું શું ?
તબિયત બબિયત પૂછી લેજો બીજું શું ?
આપ અમારી જોડે રહેજો – ના ફાવે તો,
વળતી ગાડી પકડી લેજો બીજું શું ?
માફ કરો, અંગૂઠો મારો નહિ આપું,
મારું માથું કાપી લેજો બીજું શું ?
વાંકુસીધું આંગણ જોવા ના રહેશો,
તક મળે તો નાચી લેજો બીજું શું ?
પરસેવાની સોડમ વચ્ચે પત્ર લખું છું,
અત્તર છાંટી વાંચી લેજો બીજું શું ?
લડી લડીને તૂટ્યા ત્યારે વકીલ કહે છે,
તમે પરસ્પર સમજી લેજો બીજું શું ?
આજે અમને દાદ ન આપો કાંઈ નહિ
આજે અમને સાંખી લેજો બીજું શું ?
– 'ખલીલ' ધનતેજવી
No comments:
Post a Comment