ચાલ, આપણે રંગ વાવીએ
ઝાંખા પાંખા જીવતર ઘોળી,
લાગે છે કે નહિ ફાવીએ
સમજણની કોરી પાટીમા
શ્વેત એકડા ઘુટતા
સઘળાં ભુંસાઇ જાતા
સામે કાંઠે ઇચ્છાના સોનેરી હરણા,
આખેઆખાં પીળચટ્ટાં થઇ જાતા,
ઇચ્છાઓના મેઘધનુષને
કાંટા ફૂટે એમ ચાહીએ
ચાલ, આપણે રંગ વાવીએ
આતમનો અંધાર પછેડો ઓઢી
સૂરજ તૂટકશ્વાસે જીવે
શૂન્ય સમયના ત્રિભેટાને
રાત નામની કૈં કન્યાઓ પીવે
લીલોતરીઓ મ્હોરે એવા
વાદળિયો વરસાદ લાવીએ....
ચાલ, આપણે રંગ વાવીએ
-જોગી જસદણવાળા
No comments:
Post a Comment