*ઓણુકા વરસાદમા બે ચીજ કોરી કટ,*
*એક અમે પોતે ને બીજો તારો વટ!*
નેવા નીચે ઓસરી, આંખો નીચે ગાલ,
નખથી નક્ષત્રો સુધી જળ આંબ્યું આ સાલ.
વાવાઝોડું હોય તો કરીએ બંધ કમાડ,
આ તો ઘરમાં પાડતું જળનું ટીપું ધાડ.
નખ ઉગ્યા અંધારને, ભીંતે ઉગી દાઢ,
ઉપર મારે આંચકા અણિયાળો આષાઢ.
તારા વટને કચ્છની સૂડી સરખી ધાર,
અમે કમળની દાંડલી-કરીએ શું તકરાર?
મીરાં કહે કે સાંવરા, વાગે વીજળી બહુ,
બીજું શું શું થાય તે આવ, કાનમાં કહું.
- *રમેશ પારેખ*
No comments:
Post a Comment