દિવસો જ્યારે વસમા આવે,
હસવા જઇએ ડૂસકાં આવે.
તૃષ્ણા સૌની નોખી-નોખી,
આંખે પાણી સરખાં આવે.
સુખ આવે તો એકલ-દોકલ,
દુ:ખનાં ધાડે-ધાડાં આવે.
દિવસે જેને ભુલવા મથીએ,
રાતે એનાં સપનાં આવે.
અર્જુન ડગલું એક ભરે ત્યાં,
દસે દિશાથી કાબા આવે.
એરંડાના ઉજ્જડ ગામે,
શોભા માટે કૂંડા આવે.
જાણ્યું નહોતું આ માળામાં,
લખચોર્યાસી મણકા આવે.
લોકો કહેતા 'લખતા રહેજો,
અક્ષર એથી સારા આવે.'
- 'આતુર'
No comments:
Post a Comment