તમે સ્પર્શો ને હું લથબથ ભીંજાવ,
સજન! તમે એવું ચોમાસું થઈ જાવ.
અષાઢી હેત એવું અનરાધાર વરસે
હું તો કોરી રાખું કેમ જાતને,
અંધારે ઓરડે પુરી બેઠી છું હું તો
ઈચ્છાની માજમ રાતને,
રોમે રોમ આનંદની છોળો ફૂટે એવા
ઝોંકાર અજવાળા પાવ,
સજન! તમે એવું ચોમાસું થઈ જાવ.
પ્રિત્યુંની નદીયું સાવ ઘેલી થઈને
પછી વ્હેતી'તી મારી આંખમાં,
જળની તે કંઠી હું તો પેરીને કંઠમાં
ઉડતી'તી પંખીની પાંખમાં,
અંગેઅંગ જળની સોળો ઉઠે એવું
માથાબોળ માથાબોળ ન્હાવ,
સજન! તમે એવું ચોમાસું થઈ જાવ.
- શૈલેષ પંડ્યા
No comments:
Post a Comment