સાચવી, સમજી, વિચારીને પછી,
મેં ય મૂકી જીદ્દ હારીને પછી;
ખૂબ પસ્તાવાનું થાતું હોય છે,
આપણું કોઈને ધારીને પછી;
તૂટતા સપનાને જોવાનું અને-
બેસવાનું મનને મારીને પછી;
એ નજરને ફેરવી નીકળી ગયાં!
ખૂબ સમજાવી મેં બારીને પછી;
લાગશે, હળવાશ જેવું લાગશે,
કાંચળી જૂની ઉતારીને પછી;
જીંદગીને મેં ય અપનાવી લીધી!
આંસુઓ બે-ચાર સારીને પછી;
- હિમલ પંડ્યા
No comments:
Post a Comment